વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના યુરોપના રીજનલ ડાયરેક્ટર હેન્સ ક્લૂગે ચેતવણી આપી છે કે, ક્વોરન્ટાઇન સમયગાળો ઓછો કરવામાં આવતા યુરોપભરના અને જોખમી દેશોમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની જે સંખ્યા જોવા મળી છે તે આપણા સહુ માટે ચેતવણી સમાન છે.
કોપનહેગનમાં તેમણે મીડિયા સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, લોકો એવું માને છે કે, રસીથી મહામારીનો અંત આવશે, પરંતુ એવું નથી. તાજેતરના સમયમાં યુરોપમાં કોવિડ-19ના કેસમાં ઝડપી વધારો નોંધાયો છે, વિશેષમાં તો સ્પેન અને ફ્રાંસમાં ચેપનું પ્રમાણ વધ્યું છે. આ આરોગ્ય સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાઇરસના સંપર્કમાં આવતા કોઇપણ વ્યક્તિ માટે 14 દિવસનો ક્વોરન્ટાઇન સમયના માર્ગદર્શનમાં કોઇ ફેરફાર કરાશે નહીં. ફ્રાન્સમાં સેલ્ફ આઇસોલેશનનો સમયગાળો ઘટાડીને સાત દિવસ કરવામાં આવ્યો છે. યુકે અને આયર્લેન્ડમાં તે 10 દિવસનો છે, અને પોર્ટુગલ તથા ક્રોએશિયા જેવા ઘણા યુરોપિયન દેશો અત્યારે આ સમય ઘટાડવાનું વિચારે છે.
ઓર્ગેનાઇઝેશને બુધવારે ચેતવણી આપી હતી કે નોર્ધન હેમિસ્ફિઅરના દેશોમાં થોડા સમયમાં ઠંડી શરૂ થશે અને ત્યાં કેટલાક દેશોમાં કોરોનાનો ચેપ ચિંતાજનક ઝડપે વધી રહ્યો છે. WHOના જણાવ્યા મુજબ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આ ચેપને કારણે મૃતકોની સંખ્યા વધી જશે. ક્લૂગે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વમાં લોકો આ ખરાબ સમાચાર માટે તૈયાર નથી, અને હું એ વાત સમજું છું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ તમામ દેશોને ઝડપથી પોઝિટિવ મેસેજ આપવા ઇચ્છે છે કે, મહામારીનો અંત આવી રહ્યો છે.