અમેરિકાનું ફેડરલ રીઝર્વ ઓછામાં ઓછા 2023 સુધીમાં વ્યાજદર ઝીરોની નજીક રાખે તેવી શક્યતા છે. ફેડના આ નિર્ણયથી ભારત સહિતના વિશ્વભરના ફાઈનાન્શિયલ માર્કેટને અસર થશે તથા વૈશ્વિક લિક્વિડિટીમાં વધારો થશે. અમેરિકામાં નીચા વ્યાજદરને કારણે ભારતમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં પણ વધારો થઈ શકે છે.
ફેડ લેબર માર્કેટ અને અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે થોડા સમય માટે ઊંચા ફુગાવા સામે પણ પગલાં ન ભરે તેવી શક્યતા છે. ફેડના વડા જેરોમ એચ. પોવેલ અને બીજા સભ્યોએ અર્થતંત્રને સપોર્ટ કરવા માટે આગામી થોડા મહિના અને વર્ષો સુધી ધીરજ રાખવાની યોજના ધરાવે છે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક બાદ પોવેલે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં મજબૂત રીકવરી ન આવે ત્યાં સુધી વ્યાજદર નીચા સ્તરે રાખવામાં આવશે. ફેડના અધિકારીઓ સરકારી બોન્ડની ખરીદીનો પ્રોગ્રામ ચાલુ રાખવાની પણ યોજના બનાવી રહ્યા છે. હાલમાં સરકારી બોન્ડની ખરીદી કરીને ફેડ સિસ્ટમમાં લિક્વિડિટીમાં વધારો કરી રહી છે અને બોન્ડ ખરીદીની ગતિ જાળવી રાખવામાં આવશે.
ફેડની કમિટીએ કોરોનાકાળના અમેરિકાના અર્થતંત્ર અંગેના આઉટલૂકમાં પણ સુધારો કર્યો છે. આ અંદાજ મુજબ 2020ના અંત સુધીમાં અમેરિકાની જીડીપીમાં 3.7 ટકા ઘટાડો થશે અને બેરોજગારીનો દર 9.3 ટકા રહી શકે છે. જોકે ઓગસ્ટના જોબ રીપોર્ટમાં 8.4 ટકા બેરોજગારી દર રહ્યો હતો, જે ધારણા કરતાં વધુ સારી આર્થિક રીકવરીનો સંકેત આપે છે.