બ્રિટન સ્થિત વેદાંત રીસોર્સિસ લિમિટેડે તેની ભારતીય પેટાકંપનીના શેરબજારોમાંથી ડિલિસ્ટિંગ માટે સેબીની મંજૂરી માગી છે. વેદાંત ગ્રુપે ડિલિસ્ટિંગ માટે આશરે 3.15 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યા બાદ આ હિલચાલ કરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.
વેદાંત ગ્રુપે મે મહિનામાં જાહેરાત કરી હતી કે તે નોન પ્રમોટર્સ શેરહોલ્ડિંગની ખરીદી મારફત ભારતીય શેરબજારોમાંથી વેદાંત લિમિટેડનું ડિલિસ્ટિંગ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીને આગામી સપ્તાહે ડિલિસ્ટિંગ માટે સેબીની મંજૂરી મળવાની ધારણા છે. ડિલિસ્ટિંગ માટે તે રીવર્સ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફત પબ્લિક શેરહોલ્ડિંગ પાસેથી શેર બાયબેક કરશે. કંપની આગામી બેથી ત્રણ સપ્તાહમાં આ સમગ્ર કવાયત પૂરી કરવા માગે છે. વેદાંત લિમિટેડમાં હાલમાં પબ્લિક શેરહોલ્ડિંગ 48.49 ટકા (આશરે 183.98 કરોડ શેર) છે. વેદાંત રીસોર્સે ડિલિસ્ટિંગ માટે બેન્કો પાસેથી ત્રણ મહિના માટે ટર્મ લોન ફેસિલિટી મારફત 3.15 અબજ ડોલર અને એમોર્ટાઇઝેશન બોન્ડ મારફત બીજા 1.4 અબજ ડોલર એકત્ર કર્યા છે.