ફ્રાન્સમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ટુર્નામેન્ટના આયોજકોએ સોમવારે આ માહિતી આપી હતી. આયોજકોએ ગ્રાન્ડ સ્લેમ માટે આરોગ્યની માર્ગદર્શિકા પણ જારી કરી છે. તેનાથી ખેલાડીઓનો દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ થશે.
આ ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હારનારા ખેલાડીઓની ઇનામની રકમ ગત વર્ષ કરતા 30% વધારે છે. હવે દરેક ખેલાડીને 71 હજાર ડોલર (52 લાખ રૂપિયા) મળશે. ટૂર્નામેન્ટ આ વર્ષે મેમાં રમાવવાની હતી, પરંતુ કોરોનાને કારણે 4 મહિના માટે સ્થગિત થઈ હતી.
ફ્રેન્ચ ટેનિસ ફેડરેશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે મહામારી પછી પહેલી ટેનિસ ટૂર્નામેન્ટ છે, જેમાં દર્શકોને પ્રવેશ મળશે. સરકારની માર્ગરેખા અનુસાર, પેરિસ જેવા શહેરોમાં કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ, કલ્ચરલ ઇવેન્ટમાં 5 હજાર દર્શકો હાજર રહી શકશે. ફેડરેશને આ પ્રમાણે જ ફ્રેન્ચ ઓપન માટે પ્લાન તૈયાર કર્યો છે. ફેડરેશન સ્ટેડિયમની કેપેસિટીની 50-60% એટલે કે 20 હજાર દર્શકોને મંજૂરી આપવા માંગે છે. સ્ટેડિયમને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દર્શકોની બેઠક વ્યવસ્થા પણ એ રીતે જ કરાશે.