ઇઝરાયેલે અખાતી દેશો યુનાઇટેડ આરબ અમિરાત (UAE) અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. હજી હમણાં સુધી ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ હતી. ગયા મંગળવારે, 15 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં વ્હાઇટ હાઉસ ખાતે આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણે દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ સમજૂતી અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. આ સાથે બંને આરબ દેશોએ ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય કરવા સાથે ઇઝરાયેલને એક સ્વતંત્ર દેશ તરીકે ઔપચારિક માન્યતા આપી દીધી હતી.
હજુ હમણાં સુધી આ આરબ દેશો ઇઝરાયેલને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારતા નહોતા. ટ્રમ્પે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવતાં એવી આશા વ્યક્ત કરી હતી કે હવે આ સમજૂતીથી પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થા સ્થપાશે. આ પ્રસંગે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ, યુએઇના વિદેશ પ્રધાન અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન અને બહેરીનના વિદેશ પ્રધાન અબ્દુલ લતીફ બિન રશીદ અલ ઝયાની હાજર હતા. આ સમજૂતીને અબ્રાહમ એકોર્ડ નામ આપવામાં આવ્યું હતું. ઇઝરાયેલ સાથે ભારતને સારા સંબંધો હતા એ પણ અખાતી દેશોને ગમતું નહોતું. ટ્રમ્પની હાજરીમાં થયેલા આ કરારને કારણે ટ્રમ્પને આ એક કાર્યનો યશ મળશે એમ કહી શકાય.