હિંદૂ મેરેજ એક્ટ હેઠળ સજાતીય એટલે કે હોમોસેક્સ્યુઅલ લગ્નનો કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આપણી કાનૂનવ્યવસ્થા અને સમાજ સજાતીય યુગલોની વચ્ચે વિવાહને માન્ય રાખતા નથી. ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કોર્ટે ધ્યાન રાખવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે ફક્ત સજાતીય સંબંધને જ ડિક્રિમિનલાઇઝ જ કરી છે , તેનાથી વધારે કશુંય નહીં. અરજીકર્તા સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવાની માગણી કરી શકે નહીં.
દિલ્હી હાઇકોર્ટમાં ચાર એક્ટિવિસ્ટ દ્વારા સંયુક્તપણે કરાયેલી એક અરજીમાં 1955ના હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માટે હોમોસેક્સ્યુઅલ પુરૂષોને મંજૂરી આપવા માગણી કરવામાં આવી છે. આ લોકોએ એવી દલીલ કરી છે કેહિન્દુ મેરેજ એક્ટમાં બે હિન્દુઓ વચ્ચે લગ્નની જોગવાઇ છે. તેમાં વિજાતીય પાત્રો કે સજાતીય પાત્રો એવો કોઇ ઉલ્લેખ નથી. જોકે, તુપાર મહેતાઓ કહ્યું હતું કે પોતાને કોઇ ચોક્કસ સૂચના મળી નથી પરંતુ પોતે માત્ર એ કાનૂની જોગવાઇ તરફ ધ્યાન દોરી રહ્યા છે કે હિન્દુ મેરેજ એકટ સજાતીય લગ્નની મંજૂરી આપતો જ નથી. વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિમાં સજાતીય લગ્નનો કોઇ ખ્યાલ જ નથી.