ગુજરાતમાં સરકારે મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના ચાલુ કરીને 10 લાખથી વધુ મહિલાને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની યોજના બનાવી છે. આત્મનિર્ભર ભારતના વડા પ્રધાનના સંકલ્પને સાકાર કરવા સરકારે આ યોજના બનાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે (17 સપ્ટેમ્બરે) મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની મહિલાઓને ભેટ આપશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવનશૈલીમાં મહિલાશક્તિને આત્મનિર્ભરતા બનાવવામાં મોટી મદદ મળી શકે છે.
રાજ્યનાં એક લાખ મહિલા જૂથની કુલ 10 લાખ મહિલાને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.સરકાર કુલ 1000 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથને દીઠ 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.
આ યોજના માટે સરકાર ટૂંકસમયમાં બેન્કો સાથે સમજૂતી કરશે. આ યોજના હેઠળ 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. આ માટે મુખ્યમંત્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે. ગ્રામીણ વિસ્તારોના 50 હજાર અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાની વિચારણા છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરાશે.