કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને શનિવારે મોડી રાત્રે 11 વાગે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. આશરે બે સપ્તાહે પહેલા કોરોના વાઇરસ પછીની સારવાર માટે દિલ્હીની આ ટોચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સત્તાવાર નિવેદનમાં શુક્રવારે સવારે એઇમ્સે જણાવ્યું હતું કે કોરોના વાઇરસની સારવાર બાદ 30 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને એઇમ્સમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે આપવામાં આવેલી સલાહને કારણે અમિત શાહ સંસદના સેશન પહેલા સંપૂર્ણ મેડિકલ ચેક-અપ માટે એકથી બે દિવસ માટે હવે હોસ્પિટલમાં દાખલ થયા છે.
અમિત શાહ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસને મહાત આપી હતી. ભાજપના 55 વર્ષીય દિગ્ગજ નેતા અમિત શાહનો બે ઓગસ્ટે કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સમયે તેઓ ખાનગી હોસ્પિટલ મેદાંતામાં દાખલ થયા હતા. અમિત શાહને થાક અને શરીરના દુઃખાવાને કારણે 18 ઓગસ્ટે પણ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને આ પછી 30 ઓગસ્ટે રજા આપવામાં આવી હતી.