કોરોનાવાયરસના કેસીસ યુકે સહિત યુરોપના કેટલાક દેશોમાં વધી રહ્યા છે ત્યારે તેની રસી એક માત્ર ઉકેલ જણાઇ રહ્યો છે. આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે આપણને થાય કે રસીનું ઉત્પાદન ક્યાં, કયા દેશો દ્વારા થઇ રહ્યું છે અને તે ક્યારે તૈયાર થશે? રસીનું ઉત્પાદન કરતા દેશો અંગે અહિં કેટલીક માહિતી રજૂ કરી છે.

ઑક્સફર્ડ વેક્સીન

સ્થિતિ

વેક્સીનના ડોઝનું ઉત્પાદન એન.એચ.એસ. માટે કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની અસરકારકતાની કોઈ બાંયધરી નથી. જુલાઈમાં આશરે 1,100 વોલંટીયર્સ પર કરાયેલા પ્રારંભિક અજમાયશમાં રસીનો રોગપ્રતિકારક શક્તિ પર મજબૂત પ્રતિભાવ જોવા મળ્યો હતો. કોઇ જોખમી આડઅસરની જાણ થઈ નથી. બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં ચાલેલા ટેસ્ટીંગમાં લગભગ 17,000 લોકોની ભરતી કરાઇ છે. યુ.એસ.માં બીજી અજમાયશમાં 30,000ની ભરતી કરવાના છે. લગભગ એક અઠવાડિયા પહેલા વોલંટીયર્સને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું અને હવે તેને થોભાવવામાં આવ્યા છે.

પ્રકાર

આ રસી ચિમ્પાન્ઝીમાંથી લેવાયેલા વાયરસના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ “વેક્ટર” તરીકે કરાયો છે. તે કોરોનાવાયરસમાંથી જીનેટીક કોડનો એક ભાગ માનવ કોષોમાં લઈ જાય છે. જે કોરોનાવાયરસના “સ્પાઇક” પ્રોટીન બનાવે છે. તે રોગપ્રતિકારક પ્રતિસાદને ઉત્તેજીત કરે છે જે વ્યક્તિને રોગ અટકાવવા માટે મદદ કરે છે.

ક્યારે તૈયાર થશે?

ઑક્સફર્ડ ટીમે કહ્યું છે કે તે શક્ય હશે તો વર્ષના અંત સુધીમાં રસી બનાવી લેશે. વર્ષના અંતમાં બ્રેક્ઝિટ લાગુ થાય તે પહેલાં સેફ્ટી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને EUની રેડ ટેપના કારણે મંજૂરી મેળવવા માટે સરકાર ઝડપથી તૈયારીઓ કરી રહી છે.

કોણ ખરીદશે?

બ્રિટને 100 મિલિયન અને યુ.એસ.એ 300 મિલિયન ડોઝ મંગાવ્યા છે. વિકાસશીલ વિશ્વ માટે અબજો ડોઝ બનાવવાની યોજના છે.

કિંમત

એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન તે રસીના વેચાણમાંથી ફાયદો નહીં કરે, પરંતુ કોવિડ -19 ફલૂની જેમ ચેપી બની જશે તો તે રોયલ્ટી મેળવશે. રસીની કિંમત £3.10 જેટલી થશે.

મોડર્ના

સ્થિતિ

યુ.એસ. બાયોટેક કંપની મોડેર્નાએ નાના પાયે વહેલી અજમાયશમાં “મજબૂત” રોગપ્રતિકારક પ્રતિસાદ મેળવ્યો છે. યુ.એસ.માં અંતિમ તબક્કાની અજમાયશ માટે 20,000થી વધુ વોલંટીયર્સની ભરતી કરી છે પણ 30,000નું લક્ષ્ય રાખ્યું છે.

પ્રકાર

“આર.એન.એ. રસી”ને વિકાસાવી આર.એન.એ.નામના જીનેટીક મટીરીયલ્સને વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે. જે શરીરમાં કોરોનાવાયરસ સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આશા છે કે કે રોગપ્રતિકારક તંત્ર વાયરસને ઓળખવાનું શીખશે અને રોગના ફેલાવાને અટકાવશે.

ક્યારે તૈયાર થશે?

આ મહિનાના અંત સુધીમાં મોડર્ના યુ.એસ. ટ્રાયલ માટેની ભરતી પૂરી થયા બાદ દર્દીઓમાં બીજા ડોઝની ચકાસણી કરવામાં બીજો મહિનો અથવા વધુ સમય લાગશે. પરંતુ રસી માટે પૂરતો ડેટા કદાચ વર્ષના અંત સુધી ઉપલબ્ધ રહેશે નહીં.

કોણ ખરીદશે?

યુએસ સરકારને આશરે £1.5 બિલીયનમાં 100 મિલિયન ડોઝ અપાશે.

કિંમત

એક શોટના $32થી $37 લેવાશે પણ મોટાપાયે ઉત્પાદન કરાતા તેની કિંમત સસ્તી થશે.

રાજકીય લાભ

વ્હાઇટ હાઉસની પહેલ ઓપરેશન વોર્પ સ્પીડ દ્વારા પ્રયોજીત પ્રોજેક્ટ સફળ થશે તો પ્રેસિડેન્ટ ટ્રમ્પને લાભ મળશે.

બિયોંટેક

સ્થિતિ

જર્મન કંપની અમેરિકન ડ્રગમેકર ફાઇઝર સાથે ભાગીદારી કરી રહી છે અને યુ.એસ.માં મોટી અજમાયશ માટે ભરતી કરી રહી છે. આ મહિનાના અંત સુધીમાં 30,000 વોલંટીયર્સની ભરતી કરશે તેવું લાગે છે.

પ્રકાર

“આર.એન.એ. રસી” છે. જેનું મોટા પાયે સરળ ઉત્પાદન શક્ય છે. હજી સુધી તે માન્ય નથી અને ક્યારેય લાઇસન્સ નથી મળ્યું. પ્રારંભિક સંકેતો મુજબ વધુ આડઅસર થઈ શકે છે. જેમાં તાવ, માંસપેશીઓમાં દુખાવો અને થાક શામેલ હશે.

ક્યારે તૈયાર થશે?

મોડર્નાની જેમ જ તે વર્ષના અંત સુધીમાં રેગ્યુલેટર્સની મંજૂરી માટે તૈયાર થઇ શકે છે.

કોણ ખરીદશે?

યુકેએ 30 મિલિયન ડોઝ અને યુ.એસ.એ પણ મોટો ઓર્ડર આપ્યો છે.

કિંમત

અમેરિકા તેના નાગરિકોને વિના મૂલ્યે રસી આપશે અને તેનો ડોઝની કિંમત $20 છે.

રાજકીય લાભ

પ્રેસિડેન્ટ ટ્રમ્પને ક્રેડિટ મળશે પણ ચૂંટણી બાદ મંજૂરી આવે તેવી સંભાવના છે.

સ્પુટનિક વી

સ્થિતિ

પ્રેસિડેન્ટ પુટિને ગયા મહિને જાહેરાત કરી હતી કે રશિયન સંરક્ષણ મંત્રાલયના સહયોગથી ગમાલેયા રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા વિકસાવેલી રશિયન રસીના એક બિલીયન ડોઝ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. 15મી ઓગસ્ટે આરોગ્ય મંત્રાલયે રસીનું ઉત્પાદન શરૂ કરવાની ઘોષણા કરી હતી.

પ્રકાર

ઑક્સફોર્ડ ટીમ જેવી જ ટેક્નોલોજી ઉપયોગમાં લેવામાં આવી છે. રશિયન રસી, માનવ કોષોમાં કોરોનાવાયરસ જીનેટીક કોડ દાખલ કરવા માટે નિર્દોષ વાયરસનો ઉપયોગ કરે છે.

ક્યારે તૈયાર થશે?

અત્યારે જ. જો કે મોટા પાયે તેનું પરીક્ષણ કરાયું હોવાનું જણાતું નથી. 26 ઓગસ્ટના રોજ મોડેથી શરૂ કરવામાં આવેલા ટેસ્ટીંગ ટ્રાયલમાં 40,000 વોલંટીયર્સ સામેલ થયા હતા. વૈજ્ઞાનિકોના જૂથે, હેલ્થ જર્નલ, ધ લાન્સેટમાં પ્રકાશિત નાના અજમાયશી ડેટા વિશે પ્રશ્નો ઉભા કર્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે છેતરપિંડીના સંકેતો છે.

કોણ ખરીદશે?

મેક્સિકો 32 મિલિયન અને કઝાકિસ્તાન 2 મિલિયન ડોઝ ખરીદશે એવા અહેવાલો છે.

રાજકીય લાભ

જો અસરકારક નિવડશે તો પુતિનને લાભ થશે

ચાઇનીઝ ઉમેદવાર

સ્થિતિ

બેઇજિંગે અનેક રસી માટે મહેનત કરી છે. જૂનમાં સિનોવાક બાયોટેકે જાહેરાત કરી હતી કે લગભગ 750 સ્વયંસેવકોની પ્રારંભિક અજમાયશમાં કોઈ ગંભીર આડઅસર વગર રોગપ્રિતાકારકતાને ઉત્તેજીત કરી હતી.

પ્રકાર

સિનોવાક રસી કોરોનાવાયરસના નિષ્ક્રિય સ્વરૂપ પર આધારિત છે.

ક્યારે તૈયાર થશે?

કંપનીએ જુલાઈમાં ત્રીજા તબક્કા માટે બ્રાઝિલમાં અને ઓગસ્ટમાં ઇન્ડોનેશિયામાં અંતિમ તબક્કા માટે  ટ્રાયલ શરૂ કર્યા હતા. જેના પરિણામો બાકી છે. પરંતુ ચીની સરકારે જુલાઈમાં સિનોવાક રસીને મર્યાદિત ઉપયોગ માટે ઇમરજન્સી મંજૂરી આપી હોવાના અહેવાલ છે.

કોણ ખરીદશે?

સિનોવાક 40 મિલિયન ડોઝ ઇન્ડોનેશિયાને સપ્લાય કરવાનો સોદો ધરાવે છે.

કિંમત

જાણાઇ નથી – પરંતુ નિષ્ક્રિય રસી સસ્તી હોવી જોઈએ.

રાજકીય લાભ

વુહાનમાં કોરોનાવાયરસની વિગતો છુપાવવા માટે ટીકાનો સામનો કરનાર ચીને વેજ્ઞાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. કોવિડ જેબ સૌ પ્રથમ પહોંચાડવામાં સફળ થશે તો તેમને મોટુ પ્રોત્સાહન મળશે.