સરકાર આગામી મહિને વેતન સબસિડી યોજના ફર્લોનો અંત લાવનાર છે ત્યારે સાંસદોના પ્રભાવશાળી જૂથે ચાન્સેલર ઋષિ સુનકને અર્થવ્યવસ્થાના સંઘર્ષ કરતા ક્ષેત્રોને ટેકો આપવાનું ચાલુ રાખવા જણાવ્યું છે અને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા દબાણ કરનાર છે.
ટ્રેઝરી સીલેક્ટ કમીટીએ જણાવ્યું હતું કે ‘’જ્યાં સુધી તેમને રાજ્ય તરફથી ટેકો નહીં મળે ત્યાં સુધી બિઝનેસોની હાલત સુધરશે નહિ.’’
ઇકોનોમી પર કોવિડ-19ના પ્રભાવ વિશેના વિસ્તૃત અહેવાલમાં સાંસદોએ સુનકને યુનિવર્સલ ક્રેડીટ માટેની વધુ ઉદાર શરતોને વિસ્તૃત કરવાનું વિચારવા, દેવાથી ત્રસ્ત નાની અને મધ્યમ કદની કંપનીઓને મદદ કરવા, રોગચાળાને લીધે પબ્લિક ફાઇનાન્સમાં પડેલી ખાધને પૂરવા માટે ઓટમ બજેટમાં રોડમેપ મૂકવા અને ઝડપથી વેરો વધારવામાં સાવચેતી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત પેન્શન પરના ટ્રિપલ લૉકને અસ્થાયીરૂપે છોડી દેવા વિનંતી કરી હતી.
આ સમિતિના અધ્યક્ષ અને કન્ઝર્વેટિવ સાંસદ મેલ સ્ટ્રાઈડે કહ્યું હતું કે, સરકારે સમિતિની લોકોને મદદ કરવાની અમારી ભલામણોનો અમલ કર્યો નથી. અમારો બીજો અહેવાલ લોકડાઉન પગલા હળવા કરાઇ રહ્યા છે ત્યારે ઉભરતાં પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકડાઉન પ્રતિબંધોને હળવા કર્યા પછી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ગ્રાહકોની સાવધાની, સ્થાનિક ફેલાવો અને ચેપના બીજા મોજાની સંભાવના સંપૂર્ણ રીકવરીમાં અવરોધ ઉભો કરી રહી છે.’’
ટીયુસીના જનરલ સેક્રેટરી ફ્રાન્સિસ ઓ’ગ્રાડીએ જણાવ્યું હતું કે હવે તમામ પક્ષોના સાંસદો સુનકને ફર્લો યોજનાને ઓક્ટોબર પછી પણ ચાલુ રાખવા વિનંતી કરી રહ્યા છે. આ રિપોર્ટની ફર્લો ભલામણને ટ્રેડ યુનિયન અને થિંકટેન્ક દ્વારા સમર્થન મળ્યું હતું. પરંતુ સુનકે ફર્લો યોજના અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.