યુકે ભારત સાથે માલસામાનના વેપારમાં અન્ય જી-7 દેશોની સરખામણીમાં પાછળ પડી રહ્યું છે એમ હાઉસ ઑફ કોમન્સની લાઇબ્રેરીના આંકડામાં જણાવાયું છે. યુકેએ છેલ્લા 5 વર્ષમાં ભારત સાથેના સેવા ક્ષેત્રે વેપારમાં માત્ર 10%નો જ વધારો કર્યો છે, જ્યારે તે જ સમયગાળામાં માલ-સામાનના વેપારમાં ફક્ત 5%નો વધારો થયો છે.
હાઉસ ઑફ કૉમન્સમાં શેડો બિઝનેસ સેક્રેટરી અને એમપી ગેરેથ થોમસ દ્વારા જાહેર કરાયેલા નિરાશાજનક આંકડા દર્શાવે છે કે જી-7ના અન્ય વિકસીત દેશોએ, વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાંના એક એવા ભારત સાથેની ચીજવસ્તુઓના વેપારમાં 15%થી 42%ની વચ્ચેનો વધારો કર્યો છે.
ભારત સાથે યુકેના માલ-સામાનના વેપારમાં વધારો કરવા ફોરેન અફેર્સ કમિટીએ ‘રિવેકનીંગ ટાઇઝ વિથ ઈન્ડિયા’ ના અહેવાલમાં ભલામણ કરી હતી કે સરકારે ભારતના બિઝનેસ એન્વાર્યનમેન્ટનો અનુભવ હોય તેવા ઉચ્ચ-સ્તરના અને લાંબા ગાળા સુધી સમર્પિત રહે તેવા ટ્રેડ એન્વોયની નિમણૂક કરવી જોઈએ. જોકે, યુકે સરકારે રિપોર્ટની ભલામણને ધ્યાનમાં લેવાની બાકી છે અને યુકે પાસે હાલમાં ભારત માટે આવા કોઇ ટ્રેડ એન્વોય નથી.
ગયા વર્ષે જૂનમાં જાહેર કરાયેલ પબ્લિક અફેર્સ કમિટીના રીપોર્ટમાં ટાંકવામાં આવ્યું હતું કે સરકારે ભારત સાથેની વાટાઘાટોને પ્રાધાન્ય આપવું જોઈએ અને લોકોની હિલચાલ પર મર્યાદા જેવા અવરોધોને દૂર કરવા કામ કરવું જોઈએ. જે યુકે-ભારત સંબંધો પર મોટો અવરોધ છે.
ગેરેથ થોમસે કહ્યું હતું કે ‘‘તે અસાધારણ છે કે મિનીસ્ટર્સ વિશ્વના સૌથી મોટા ઉભરતા બજારોમાંના એક સાથેના બ્રિટિશ બિઝનેસ બાબતે ખુશ છે. અન્ય જી-7 દેશો તેમના વ્યવસાયોને ભારતમાં કોન્ટ્રેક્ટ જીતવામાં મદદ કરવા પ્રાધાન્ય આપી રહ્યા છે અને વેપારના સ્તરે મોટી ઉછાળો જોવા મળ્યો છે. વડાપ્રધાનની નિષ્ક્રિયતાએ બ્રિટનને પાછળ રાખ્યું છે અને તેમણે આપણા દેશને અત્યંત જરૂરી છે તે વધુ નોકરીઓ ઉભી કરવામાં મદદ માટે ભારતીય ઉપખંડ સાથેના વેપારને પ્રાધાન્ય આપવું જોઈએ.