ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તંગદિલીની સ્થિતિ છે ત્યારે ભારતીય લશ્કરના વડા જનરલ એમ એમ નરવણે ગુરુવારે, 3 સપ્ટેમ્બરે બે દિવસની લદાખની મુલાકાતે પહોંચ્યા છે. પેંગોંગ સરોવરના દક્ષિણ કાંઠા તરફ ચીનના સૈનિકોએ ઘુસણખોરીના પ્રયાસો કર્યા હતા જેને ભારતીય લશ્કરના જવાનોએ જડબાતોડ જવાબ આપીને નિષ્ફળ બનાવ્યા હતા. લશ્કરના વડા નરવણે સવારે લદાખની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન લશ્કરના ઉચ્ચ અધિકારીઓને મળીને પેંગોંગ લેક પર વર્તમાન સ્થિતિ અને ચીન સાથે તણાવના મામલે માહિતી મેળવશે.
છેલ્લા ઘણા સમયથી ભારત-ચીન વચ્ચે સરહદ પર વિવાદ વણસ્યો છે. ભારતે વધુ એક વખત ચીન દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હોવાની વાત કરી છે. ભારત અને ચીન વચ્ચે હાલ બ્રિગેડિયર સ્તરની બેઠક પણ યોજાઈ રહી છે. લશ્કરના વડા નરવણે સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવશે.
ભારતે લદાખમાં પેંગોંગ વિસ્તારમાં નોર્થ ફિંગર 4ને ફરી પોતાના કબ્જામાં લઈ લીધું છે. જૂન મહિના બાદ પ્રથમ વખત ભારતીય લશ્કરના કબ્જામાં આ વિસ્તાત સંપૂર્ણ રીતે આવી ગયો છે. હવે અહીંથી ફિંગર 4 ઈસ્ટની પાસેમાં ચીન હેઠળની સૌથી નજીકની પોસ્ટ છે. આ પોસ્ટ ભારતીય લશ્કરની પોઝિશનથી થોડા અંતરે રહેલી છે.