‘’બ્રિટનની સરકારે કોવિડ-19 રોગચાળોમાંથી અર્થતંત્રને સુધારવામાં મદદ મળે અને હવે ઘરથી બહાર નીકળી કામ કરવું સલામત છે તેમ જણાવી લોકોને ઓફિસ અને અન્ય કાર્યસ્થળો પર પાછા ફરવા વિનંતી કરી રહી છે’’ એમ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર ગ્રાન્ટ શેપ્સે શુક્રવારે તા. 28ના રોજ એલબીસી રેડિયોને જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે “અમારો કેન્દ્રીય સંદેશ ખૂબ સીધો છે, અમે લોકોને કહી રહ્યા છીએ કે હવે કામ પર પાછા ફરવું સલામત છે.” હવે વડા પ્રધાન બોરીસ જ્હોન્સન ઑફિસમાં પાછા ફરવાના ગુણોની પ્રશંસા કરશે અને ઓફિસો કામ કરવા માટે સુરક્ષિત જગ્યા છે તેની ખાતરી આપશે. સરકાર એક નવું ઑનલાઇન ટુલ્સ બનાવશે જે લોકોને ખૂબ ભીડવાળી ટ્રેન અને બસો અંગે માહિતી આપશે.
સેન્ટર ફોર સિટીઝના ડેટા અનુસાર, બ્રિટીશ શહેરોમાં ફક્ત 17% કામદારો ઓગસ્ટની શરૂઆતમાં તેમના કામના સ્થળે પાછા ફર્યા હતા. મોબાઇલ ફોન સિગ્નલ પર આધારિત ડેટા મુજબ જૂનના અંતથી 3 ઓગસ્ટથી શરૂ થતા સપ્તાહની વચ્ચે સેન્ટ્રલ લંડનમાં કર્મચારીઓના ફૂટફોલમાં કોઈ વધારો થયો નથી.
લોકો કામ પર પરત થશે તો એપ્રિલ-જૂન સમયગાળામાં અર્થતંત્રમાં થયેલા 20%ના ઘટાડાને સુધારવામાં મદદ મળી શકે છે. જે મોટા વિકસિત અર્થતંત્રોમાં સૌથી મોટો ઘટાડો છે.