અમેરિકામાં વિસ્કોન્સિનના કેનોશા શહેરમાં રવિવારે પોલીસ એક બ્લેક યુવક – 29 વર્ષના જેકબ બ્લેકને પીઠ પાછળ અનેક ગોળીઓ મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પણ ઈજાઓના કારણે તે લકવાગ્રસ્ત બનતા પથારીવશ છે. એ ઘટનાના પગલે કેનોશા સહિત અનેક સ્થળોએ લોકોએ પોલીસના રેસિસ્ટ વર્તન સામે ઉગ્ર દેખાવો કર્યા હતા, જેના પગલે વિસ્કોન્સિનના ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી હતી.
મંગળવારે આવા દેખાવો વખતે સામસામા આવી ગયેલા બે જૂથોમાં એક જૂથના 17 વર્ષના એક ટીનેજરે રાઈફલમાંથી દેખાવકારો ઉપર ગોળીબાર કરતાં બે લોકો માર્યા ગયા હતા. તે યુવકની પોલીસે મેનસ્લોટરના આરોપસર ધરપકડ કરી છે, તો જેકબ બ્લેક ઉપર ગોળીબાર કરનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ટીનેજરના ગોળીબારમાં એક ત્રીજી વ્યક્તિને ઈજાઓ પણ થઈ હતી.
કેનોશા શહેરના પોલીસ ચીફ ડેનિયલ મિસ્કિન્સે એ વાતને સમર્થન આપ્યું હતું કે, મંગળવારે રાત્રે દેખાવો કરી રહેલા બે લોકો – 26 અને 36 વર્ષના યુવાનો એક ટીનેજરે કરેલા ગોળીબારમાં માર્યા ગયા હતા, તો 26 વર્ષના એક ત્રીજા યુવાનને ઈજા થઈ હતી. જો કે મિસ્કિન્સે જેકબ બ્લેક ઉપરના ગોળીબારની ઘટના વિષે કઈં કહેવાનો ઈનકાર કર્યો હતો.
એ ઘટનાને નજરે જોનારાએ રેકોર્ડ કરેલો વિડિયો એવું દર્શાવે છે કે, બ્લેકની કારમાં તેના ત્રણ સંતાનો બેઠેલા હતા અને તે કારમાં બેસવા ગયો ત્યારે એક પોલીસ ઓફિસરે તેના ઉપર પાછળથી એકથી વધુ વખત ફાયરિંગ કર્યું હતું. જેકબ બ્લેકના પિતાએ પોલીસ ઉપર કોઈ તર્ક વિના જ હત્યાના પ્રયાસનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેમનો પુત્ર એકથી વધુ ગોળીઓની ઈજાના પગલે કમરથી નીચેના ભાગમાં લકવાગ્રસ્ત થયો છે.
મિસ્કિન્સે આ ઘટના વિષે માહિતીના અભાવ અંગે પણ લોકોમાં ભારે આક્રોશ હોવાનું સ્વિકાર્યું હતું, પણ મામલો હવે રાજ્યના તપાસકારોના હાથમાં હોવાથી પોતે એ વિષે કઈં કહી શકે તેમ નહીં હોવાનું ઉમેર્યું હતું.