કોરોનાથી સાજા થયેલા એશિયન્સને પ્લાઝમા ડોનેશન માટે યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) એ તાકીદની વિનંતી કરી છે. એશિયન્સમાં એન્ટીબોડી સમૃદ્ધ પ્લાઝમા હોવાની શક્યતા હોવાથી કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકાય. દક્ષિણ એશિયન બેકગ્રાઈન્ડના લોકોને પણ કોરોનાની માઠી અસર થઇ હોવાથી પ્લાઝમા જીવ બચાવનારી સારવાર નીવડી શકે. પ્લાઝમા ડોનર્સમાં સાત ટકા એશિયનો છે.
એનએચએસબીટીના કન્સલ્ટન્ટ હીમેટોલોજિસ્ટ રેખા આનંદે એશિયન સમુદાય તરફથી સાનુકુળ પ્રતિભાવ મળ્યાનું જણાવ્યું હતું.એનએચએસબીટીના ડો. સુશિલ અસ્ગર તથા ડો. નઇમ અખ્તરે જણાવ્યું હતું ઘણા લોકો પ્લાઝમા ડોનેશન અંગે નર્વસ હોઇ શકે પરંતુ પ્લાઝમા ડોનેશન જરૂરતમંદોને મદદ કરવાનો અસરકારક માર્ગ છે.
કન્સલ્ટન્ટ ડોનર મેડીસીન ડો. શ્રુતિ નારાયણે જણાવ્યું હતું કે, માત્ર 45 મિનિટમાં કરાતું પ્લાઝમા ડોનેશન સલામત, સ્વચ્છ અને સરળ છે. એશિયન સમુદાયોની વધારે વસતીવાળા બર્મિંગહામ, બ્રેડફોર્ડ, બ્રિસ્ટોલ, કેમ્બ્રિજ, એજવેર, ગ્લોસેસ્ટર, લીડઝ, લેસ્ટર, લીવરપુલ, સ્ટ્રેટફોર્ડ, ટુટીંગ, ઓક્સફર્ડ, નોટીંગહામ પ્લીમાઉથ તથા અન્યત્ર પ્લાઝમા ડોનર સેન્ટર્સ ઉભા કરાયા છે.