વિસ્કોનસિનના કેનોશા શહેરમાં ઘરેલુ ઝગડાનો ફોન મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે એક અશ્વેત વ્યક્તિની પીઠમાં ગોળીઓ મારી હતી, પરિણામે શહેરમાં તોફનો ફાટી નીકળ્યા હતા અને ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોને આગ લગાડી દીધી હતી.
સ્થિતિ થાળે પાડવા પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા. દેખાવ કરી રહેલાઓએ પોલીસ પર પથ્થરો અને અન્ય સાધનો ફેંક્યા હતા. રવિવારે સાંજે આ ઘટના બની હતી જેને સેલફોનમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી.
રસ્તામાં શુટ કરાયેલા દ્રશ્યમાં જેકોબ બ્લેક તરીકે ઓળખાયેલા એક અશ્વેત વ્યક્તિ પોતાની એસયુવી કારના આગળના ભાગમાંથી ડ્રાઇવર સાઇડ તરફ પસાર થતો જોવા મળી હતી. એ વખતે પોલીસ અધિકારીઓ તેનો પીછો કરીને બુમો પાડતા હતા. બ્લેકે કારનું બારણું ખોલ્યું વાહનમાં ઝાંખે છે ત્યારે જ પોલીસ તેને શર્ટ પકડી ખેંચ્યો હતો અને એની પર ગોળીઓ છોડે છે.
એને સાત ગોળીઓ મારવામાં આવી હતી, જો કે બ્લેકને કેટલી ગોળીઓ વાગી હતી તે સત્તાવાર રીતે જાણવા મળ્યું નહતું અને ઘટના સ્થળે હાજર કયા અધિકારીએ કેટલી ગોળીઓ મારી હતી તે પણ સ્પષ્ટ થયું નહતું. ગોળાબાર વખતે એક અશ્વેત મહિલા ચીસો પાડતી સંભળાઇ હતી. ગોળીબારની ઘટનાથી શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તરફ બ્લેકને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેની તબીયત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું હતું.
રવિવારે લોકોની ભીડે પાર્ક કરેલા અનેક વાહનોને આગ લગાડી દીધી હતી.દેખાવકારોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. ગોળીબાર કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને પ્રથા મુજબ વહીવટી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.પોલીસે રાત્રે જ કર્ફ્યુ લાદી દીધો હતો.ગવર્નર ટોની ઇવર્સે ઘટનાને વખોડી કાઢી હતી.