અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ બારાક ઓબામાના કારણે તેઓ રાજનીતિમાં આવ્યા. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકા માટે સારા કામો જ કર્યા નથી. આ જ કારણ છે કે હું આપ લોકોની સામે રાષ્ટ્રપતિ તરીકે ઉપસ્થિત છું. જો તે બંનેએ સારા કામો કર્યા હોત તો હું અહીંયા ન હોત. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે એવું પણ બની શકત કે કદાચ હું રાષ્ટ્રપતિની ચૂંટણી પણ ન લડ્યો હોત.
બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા તે દરમિયાન આઠ વર્ષ સુધી જો બાઇડેન અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ વખતે 3 નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ડેમોક્રેટ્સના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આ વખતે તેઓ ટ્રમ્પની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. બાઇડેન કેમ્પેઈન તરફથી બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ બારાક ઓબામાનો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે દેશને નિરાશ કર્યો છે. મને આશા હતી કે દેશહિતમાં તેઓ પોતાના કામોને ગંભીરતાથી લેશે, પરંતુ તેમણે ક્યારેય આવું કર્યું જ નહિ.
તેમનામાં રાષ્ટ્રપતિએ જેવી કાબેલિયત આવી જ ન શકી. કેમકે તેઓ તેને લાયક જ નથી. તેમના કારણે 1.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો બેરોજગાર થયા છે. પૂર્વ ફર્સ્ટ મહિલા મિશેલ ઓબામા બુધવારે ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. તેમેણે કહ્યું હતું કે ટ્રમ્પ આપણા દેશ માટે યોગ્ય રાષ્ટ્રપતિ નથી. તેઓ એવા વ્યક્તિ નથી, જેની દેશને જરૂરિયાત છે.
ટ્રમ્પને આ સાબિત કરવા માટે અનેક અવસર મળ્યા ત્યારે તેઓ કામ કરી શકતા હતા, પરંતુ તેમણે મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તેઓ વર્તમાન સમયને જોતા યોગ્ય રાષ્ટ્રપતિ નથી. મિશેલ ઓબામાના આ સંબોધન બાબતે પલટવાર કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, “તેમનું ભાષણ લાઈવ ન હતું. આને ઘણા સમય પહેલા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેમને સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસનો ઉલ્લેખ પણ કર્યો નથી.”