અમેરિકાના ક્લીવલેન્ડ, મિસિસિપીના 45 વર્ષીય હોટેલિયર યોગેશ પટેલની ગયા અઠવાડિયે વહેલી સવારે હોટલમાંથી બહાર કાઢી મુકવામાં આવેલા એક મહેમાન દ્વારા માર મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે હોટલ માલિકોના જૂથે લોકોલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને ઝડપી ન્યાયની માંગ કરતો એક પત્ર લખ્યો છે. મોતને ભેટેલા હોટેલિયર યોગેશ પટેલ સુરત નજીકના ગંગપુર ગામના વતની છે અને તેમના પિતાનું નામ ઇશ્વરભાઇ લલ્લુભાઇ પટેલ હોવાનું અને તેઓ હજૂ પાંચ વર્ષ પહેલા જ યુ.એસ. સ્થાયી થયા હતા તેમ જાણવા મળ્યું છે.
ગૃપ, રિફોર્મ લોજિંગ દ્વારા ક્લીવલેન્ડ પોલીસ ચીફ ચાર્લ્સ “બસ્ટર” બિંઘામ અને બોલીવર કાઉન્ટી, શેરીફ કેલ્વિન વિલિયમ્સ અને ડિસ્ટ્રિક્ટ એટર્ની બ્રેન્ડા મિશેલને ગત તા. 15મી ઓગસ્ટે પત્ર મોકલ્યો હતો. જેમાં જણાવ્યું છે કે ‘’અમે આ ઘોર ગુનાહિત કૃત્યથી અચંબામાં પડી ગયા છીએ અને તેની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમારું જૂથ શ્રી પટેલ માટે ન્યાય માંગે છે અને વિશ્વાસ છે કે ગુનેગારની તાત્કાલિક ધરપકડ કરાશે.”
ક્લીવલેન્ડ પોલીસે કેન્ટારસ વિલિયમ્સની યોગેશ પટેલના મૃત્યુ સંદર્ભે ધરપકડ કરી છે. તા. 11 ઓગસ્ટે યોગેશ પટેલની ડેલ્ટા ઇન મોટેલ ખાતે વિલિયમ્સે ખલેલ પહોંચાડી દરવાજાને નુકસાન કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. હોટલે તેને રીફંડ કરાયા બાદ અધિકારીઓએ વિલિયમ્સને મોટેલ છોડી દેવા જણાવ્યું હતું.
એક કલાક કરતા પણ ઓછા સમયમાં પોલીસને ફરી બોલાવવામાં આવી હતી. એક સાક્ષીએ પોલીસને કહ્યું હતું કે વિલિયમ્સ રૂમમાં પાછો ફરતા પટેલ તેને કહેવા ગયા હતા. જે વખતે તેણે હુમલો કરી યોગેશ પટેલને બોટલ મારી હતી. પટેલને મિસિસિપી નજીકના જેક્સન સ્થિત યુનિવર્સિટી ઓફ મિસિસિપી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મરણ થયું હતું.
બીજા દિવસે, પોલીસને ખોટો ફોન કરાયો હતો કે ડેલ્ટા ઇન ખાતે ગન ફાઇટ થઇ છે. પરંતુ તપાસ કરાતા ફોન વિલિયમ્સે કર્યો હોવાનું અને તે નજીકની ‘રોડવે ઈન’ ખાતેના રોકાયો છે. પોલીસે તેની ધરપકડ કરી હતી.
રિફોર્મ લોજિંગના પ્રમુખ અને સહ-સ્થાપક સાગર શાહના જણાવ્યા મુજબ વિલિયમ્સ પર હત્યાનો આરોપ છે અને તે $500,000ના જામીન પર છે. આ ઘટનાના ઘણા સાક્ષીઓ છે અને તે આ ખતરનાક ગુનેગારને જેલના સળિયા પાછળ રાખવા માટે પૂરતા છે.”
ગૃપના અધ્યક્ષ અને સહ-સ્થાપક રીચ ગાંધીએ કહ્યું હતું કે, ‘’રિફોર્મ લોજિંગ પટેલના પત્ની અને તેમની યુવાન પુત્રી માટે ન્યાય ઇચ્છે છે. ઇમિગ્રન્ટ પરિવારે ખૂબ જ સખત મહેનત કરી છે. તેમને 10 વર્ષની પુત્રી છે. તેઓ આ નાની મોટેલ પર કામ કરે છે અને આ દુખ સાથે આખું જીવન જીવવું પડશે.”
રિફોર્મ લોજિંગ, પોતાને હોસ્પિટાલીટી ઉદ્યોગની થિંક ટેન્ક અને હિમાયતી સંસ્થા ગણાવે છે.
શાહે જણાવ્યું હતું કે “યુ.એસ.ના ઘણા હોટેલિયર્સને ઘણાં કારણોસર મહેમાનો બિલ ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે કાઢી મૂકવાની જરૂર પડે છે. કેટલાક કેસોમાં હોટલની ટીમના સભ્યો કે માલિક / ઓપરેટરોને રૂમ ખાલી કરાવવામાં ખૂબ જ જોખમ લેવું પડે છે. અમારું મંતવ્ય છે કે આવું થાય છે ત્યારે લો એન્ફોર્સમેન્ટે હંમેશા સ્ટેન્ડબાય પર રહેવું જોઈએ, ખાસ કરીને ગેસ્ટ સાઇટ પર પાછા આવે ત્યારે. અમે અત્યંત સંવેદનશીલ સમયમાં જીવીએ છીએ અને કેટલાક વિસ્તારોમાં દુર્ભાગ્યે ગુનાખોરીમાં વધારો જોવા મળે છે જે ખૂબ ચિંતાજનક છે.”
નવેમ્બર 2017માં એક ઘટનામાં નોર્થ કેરોલાઇનાના ફેયટવિલેમાં ‘નાઈટ્સ ઇન’ના માલિક આકાશ તલાટીનું એક સશસ્ત્ર ઘુસણખોર અને સુરક્ષા ગાર્ડ વચ્ચે થયેલા ગોળીબારમાં ક્લબ તલાટી ખાતે મરણ થયું હતું. તેની પત્ની મીતલ તલાટીએ હોટલનું સંચાલન સંભાળ્યું હતું અને 2018માં હરિકેન ફ્લોરેન્સ વખતે પીડિતોને મદદ કરવા માટે તેનું બહુમાન કરવામાં આવ્યું હતું.