વિસ્કોન્સિનના મિલવૌકીમાં ડેમોક્રેટિક પાર્ટીના સોમવારે શરૂ થયેલા શરૂ થયેલા નેશનલ કન્વેન્શનની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં વેદો અને મહાભારતના શ્લોકો તથા શીખ ધર્મની અરદાસ સાથે થઇ. ટેક્સાસમાં ચિન્મય મિશન સાથે જોડાયેલા એક મહિલાએ મંત્રોચ્ચાર કર્યો હતો તો વિસ્કોન્સિન ગુરુદ્વારા સાથે જોડાયેલા એક અગ્રણીએ અરદાસ કરી હતી. ચાર દિવસના આ કન્વેન્શનમાં ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ જો બિડેનને ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર અને ભારતીય મૂળના સેનેટર કમલા હેરિસને વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર જાહેર કરવામા આવ્યા હતા.
અગાઉ ‘બિડેન ફોર પ્રેસિડેન્ટ’ અભિયાન માટે નેશનલ ફેઇથ એંગેજમેન્ટના ડાયરેક્ટર જોશ ડિક્સને અમેરિકાની સામૂહિક શક્તિ, વિવિધતા અને માનવતાના સન્માન માટે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. ટેક્સાસનાં એટર્ની નીલિમા ગોનુગુંટલાએ જણાવ્યું હતું કે, આપણે નવા પ્રેસિડેન્ટ માટે ઉમેદવાર તરીકે આપણા સમયના સૌથી અનુભવી અને સન્માનિત નેતાઓમાંથી એકને નોમિનેટ કરી રહ્યા છીએ તથા ભારતીય મૂળની પ્રથમ મહિલાને વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે નોમિનેટ કરી રહ્યા છીએ ત્યારે આપણે ભગવાનને આહ્વાન કરીએ છીએ અને શાશ્વત હિન્દુ ગ્રંથોમાંથી અલૌકિક પ્રેરણા મેળવવા ઇચ્છીએ છીએ.
અમેરિકામાં સૌથી મોટા હિન્દુ સંગઠનોમાં સામેલ ચિન્મય મિશન ડલ્લાસ ફોર્ટ વર્થના બોર્ડ સભ્ય નીલિમાએ શાંતિ પાઠ કર્યા હતા. તેમણે બિડેન અને કમલા હેરિસ માટે મહાભારતની પંક્તિઓને વાંચતા જણાવ્યું હતું કે, ‘યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય’. આ સર્વધર્મ સભાનું ઉદ્ધાટન ઓકક્રીક ગુરુદ્વારાના સંસ્થાપક સાવંતસિંહ કલેકાના પુત્ર પ્રદીપ કલેકાએ કર્યું હતું. સાવંતનું નિધન વર્ષ 2012માં ગુરુદ્વારામાં ગોળીબાર દરમિયાન થયું હતું. એ ઘટનામાં 40 વર્ષના હુમલાખોરે છ લોકોની હત્યા કરી હતી અને ચાર લોકો ઘાયલ થયા હતા, પછી તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.