અનેક દાયકાઓથી પરંપરાગત રીતે મીડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને મોટા ભાગના આરબ દેશો વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટના અંતનો આરંભ થયો જણાય છે. ગુરૂવારે (ઓગસ્ટ 13) અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક આશ્ચર્યજનક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) વચ્ચે શાંતિ સમજુતી માટે સંમતિ સાધી શકાઈ છે.
અમેરિકન પ્રેસિડેન્ટે ટ્વીટ કરી આ માહિતી આપતાં કહ્યું હતું કે, “અમારા બે મહાન મિત્રો વચ્ચે એક ઐતિહાસિક શાંતિ સમજુતી” સધાઈ છે, ઈઝરાયેલ અને યુએઈ વચ્ચે સંબંધો સામાન્ય બને તે એક ઘણી મોટી સફળતા છે.
મોડેથી પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે, મધ્ય પૂર્વના દેશોમાં ઈઝરાયેલ અને તેના પડોશી મુસ્લિમ દેશો સાથેના સંબંધોમાં વધુ રાજદ્વારી સફળતાઓ મળવાની અપેક્ષા છે. કેટલીક ઘટનાઓ આકાર લઈ રહી છે, તેના વિષે હાલમાં હું વાત કરી શકું નહીં એવું ટ્રમ્પે કહ્યું હતું.
અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓએ ગુરૂવારને “એક ઐતિહાસિક દિવસ અ મધ્ય પૂર્વમાં શાંતિની દિશામાં એક મહત્ત્વનું પગલું” ગણાવ્યો હતો. આ વિસ્તારમાં 72 વર્ષથી ચાલી આવતી અશાંતિ અને દુશ્મનાવટનો અંત લાવતી શ્રેણીબદ્ધ સમજુતીઓમાંની આ પ્રથમ સમજુતી, એક હિંમતભર્યું પગલું બની રહેશે એવી આસા પોમ્પીઓએ દર્શાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ તથા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહ્યાને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે પરસ્પર ગુરૂવારે વાતચિત કરી હતી અને સંયુક્ત આરબ અમિરાત તેમજ ઈઝરાયેલ વચ્ચે સંબંધો સંપૂર્ણપણે સામાન્ય બનાવવા સંમત થયા હતા.
આગામી થોડા સપ્તાહોમાં બન્ને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે મુલાકાત થશે અને તેમા મૂડીરોકાણ, ટુરીઝમ, સીધી ફલાઈટ્સ, સલામતી તથા બન્ને દેશોની પરસ્પર એલચી કચેરી બીજા દેશમાં શરૂ કરવા સહિતના દ્વિપક્ષી કરારો થશે.