આ વર્ષના નવેંબરમાં કે કોરોનાના કારણે મોડી થનારી અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂ્ંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર અને હાલના ઉપપ્રમુખ જો બીડેન રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દેશે એવી આગાહી એક પોલિટિકલ એનેલિસ્ટ પ્રોફેસર એલન લિફ્ટમેને કરી હતી.
છેલ્લાં 40 વર્ષથી પ્રોફેસર લિફ્ટમેન અમેરિકાના રાજકીય બનાવો વિશે આગાહી કરે છે અને તેમની લગભગ બધી આગાહી સાચી પડી હોવાનો તેમના ટેકેદારોનો દાવો છે. પ્રોફેસર લિફ્ટમેન અમેરિકાના નોસ્ત્રેડેમસ તરીકે પ્રસિદ્ધ છે. તેમણે થર્ટીન કીઝ ટુ ધ વ્હાઇટ હાઉસ નામે પૃથક્કરણનું એક મોડેલ તૈયાર કર્યું છે જેને આધારે એ આગાહી કરે છે.
સૌ પ્રથમ તેમણે કરેલી આગાહી મુજબ રોનાલ્ડ રેગન પ્રમુખ બન્યા હતા. છેલ્લામાં છેલ્લી તેમની આગાહી ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની હતી. 2016માં તેમણે આવી આગાહી કરી હતી કે ટ્રમ્પ પ્રમુખ બનશે. એ સમયે કોઇએ આવી કલ્પના સુદ્ધાં કરી નહોતી.
પ્રોફેસર એલન લિફ્ટમેન એક અમેરિકી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે પરંતુ માત્ર શૉખને કારણે તેમણે 13 કીઝ ટુ ધ વ્હાઇટ હાઉસ એનેલિસિસ મોડેલ તૈયાર કર્યું હતું. આ વખતે જો કે ઘણા લોકો માનતા હતા કે વારંવાર જૂઠ્ઠું બોલવાને કારણે તેમજ કોરોનાના કારણે ટ્રમ્પ ફરીવાર પ્રમુખ બને એવી શક્યતા ઓછી હતી.
કોરોનાને નાથવામાં અને મૃત્યુદર ઘટાડવામાં ટ્રમ્પ વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. થોડા સમય પહેલાં ટ્રમ્પે ચૂ્ંટણી વિલંબમાં નાખવાની વાત ઉચ્ચારી હતી. પરંતુ અમેરિકામાં ચૂંટણી ટાળવાની કે વિલંબમાં નાખવાની સત્તા પ્રમુખ પાસે હોતી નથી એ જોતાં નવેંબરની ત્રીજીએ પ્રમુખપદની ચૂંટણી થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં જો બીડેન પ્રમુખ બનશે અને ટ્રમ્પ હારી જશે એવી આગાહી પ્રોફેસર લિફ્ટમેને કરી હતી