નોર્થ ઇંગ્લેન્ડની શેફિલ્ડ યુનિવર્સિટીમાં એકાઉન્ટ્સના એમેરીટસ પ્રોફેસર પ્રેમ સિક્કા, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સર ઇયાન બોથમ અને યુકેના વડા પ્રધાન બોરીસ જ્હોન્સનના નાના ભાઈ અને ભૂતપૂર્વ સાંસદ જો જ્હોન્સન સહિત યુકેના 36 આગ્રણીઓની હાઉસ ઓફ લોર્ડ્ઝમાં નિમણુંક કરવામાં આવી છે. સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલી પીયરેજની યાદીને મહારાણીએ મંજૂરી આપી હતી. લેબરના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીન દ્વારા પોલિટિકલ પીયરેજ કેટેગરીમાં નામાંકિત કરાયેલા સિક્કાએ કહ્યું હતું કે, “સામાજિક ન્યાય અને મુક્તિ પરિવર્તન માટેના કૉલને સંસદની અંદર અને બહારના તમામ ક્ષેત્રોમાં સાંભળવાની જરૂર છે.”
ક્રિકેટ કારકિર્દીમાં 102 ટેસ્ટમાં 5,200 રન કરનાર અને 383 વિકેટ મેળવનાર બોથમ બ્રેક્ઝિટના સમર્થક હતા. ક્રિકેટ કોમેન્ટેટર અને ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબના અધ્યક્ષને 2007 માં ક્વીન દ્વારા નાઇટહૂડ એનાયત કરવામાં આવ્યુ હતુ અને હવે તેઓ લોર્ડ્સમાં ઇન્ડીપેન્ડન્ટ ક્રોસબેન્ચ પીયર તરીકે બેસશે.
જોસેફ જ્હોન્સન કટ્ટર EU રીમેઇનર હતા અને ભાઇ બોરીસને સાથ આપવો કે રાષ્ટ્રીય હિત પ્રત્યેની વફાદારીને, તેથી તેમણે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું હતુ. તેમને લોર્ડ્સમાં ડિસોલ્યુશન પીયરેજ કેટેગરી હેઠળ
નામાંકિત કર્યા હતા.
તેમણે મુખ્ય સ્ટ્રેટીજીક એડવાઇઝર સર એડી લિસ્ટર, કન્ઝર્વેટિવ પાર્ટીના દાતા માઇકલ સ્પેન્સર, ‘ઇવનિંગ સ્ટાન્ડર્ડ’ અને ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ અખબારો ધરાવતા ભૂતપૂર્વ કેજીબી એજન્ટના પુત્ર રશિયન મૂળના એવજેની લેબેદેવ, ભૂતપૂર્વ સ્કોટ્ટીશ નેતા રૂથ ડેવિડસન, બે ભૂતપૂર્વ ચાન્સેલર કેન ક્લાર્ક અને ફિલિપ હેમન્ડ જેવા અગ્રણી ટોરીઝ તેમજ ઘણાં નજીકના સાથીઓ, ભૂતપૂર્વ સાંસદો અને પાર્ટીના વફાદારોને લોર્ડ તરીકે નોમિનેટ કર્યા છે. પોતાના ભાઇને પિયરેજ આપવા બદલ વડપ્રધાનની ટીકા થઇ રહી છે.