ભારત પ્રત્યાર્પણ થવા સામે લડત ચલાવનારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી યુકેની કોર્ટ સમક્ષ લગભગ 2 બિલીયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક સાથેના છેતરપિંડીના આરોપો અને મની લોન્ડરિંગ કેસ અંગે તેને વીડિયો લિંક દ્વારા હાજર થયો હતો.
ગયા વર્ષના માર્ચ મહિનામાં તેની ધરપકડ થયા બાદ સાઉથ-વેસ્ટ લંડનની વૉન્ડઝવર્થ જેલમાં રખાયેલા 49 વર્ષીય ઝવેરીને નિયમિત 28 દિવસે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ વનેસા બરાઇટઝર સમક્ષ વિડીયોલિંક દ્વારા હાજર કરાય છે. તેમને કહેવામાં આવ્યું હતું કે કેસ મેનેજમેન્ટની એક સુનાવણી બાદ આ કેસની ફાઇનલ સુનાવણી 7 સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે થશે. આ અગાઉ મે માસમાં, ડિસ્ટ્રીક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ મોદીના પ્રત્યાર્પણ સુનાવણીના પ્રથમ ભાગની અધ્યક્ષતા કરી હતી.
આવતા મહિને ભારતીય અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી બીજી પ્રત્યાર્પણની વિનંતી પર કોર્ટ કાર્યવાહી કરશે. બીજી વિનંતીમાં નિરવ મોદી પર “પુરાવાઓ ગાયબ કરવા” અને સાક્ષીઓને ડરાવવા અથવા જાનથી મારી નાંખવાની ધમકી આપવાના બે વધારાના આરોપો લગાવાયા છે.”