એટલાન્ટા સ્થિત હોટલિયાર માઇક પટેલના પત્ની હસ્મિતા પટેલને 61 વર્ષની વયે ગત સપ્તાહે સંખ્યાબંધ લોકોએ ભાવનાત્મક વિદાય આપી હતી. હસ્મિતા પટેલનું ગુરૂવારે તા. 6 ઓગસ્ટના રોજ તેમના પરિવારના સદસ્યોની ઉપસ્થિતીમાં શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતું. હાસ્મિતા પટેલ એટલાન્ટા સ્થિત ઇમોરી યુનિવર્સિટી હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર હેઠળ હતા.
શનિવારે તા. 10 ઑગસ્ટના રોજ એટલાન્ટામાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી જેમાં તેમના નિકટના પરિવારજનો અને સંબંધીઓ સહિત વિશ્વભરના મિત્રો અને સબંધીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત થયા હતા. તેમના પતિ માઇકે કહ્યું હતું કે ‘દરરોજ, તેમની સાથેનું જીવન સ્મિત જેવું હતું, ખાસ કરીને અંતિમ અઠવાડિયાઓમાં.’
કમ્પાલા, યુગાન્ડામાં જન્મેલા હસ્મિતા તેમના પરિવાર સાથે લંડન આવ્યા હતાં જ્યાં શિક્ષિત થયા બાદ બ્રિટીશ સિવિલ સર્વિસમાં અને અન્ય વિવિધ પોસ્ટ્સ પર તેમણે કામ કર્યું હતું. માઇક અને હસ્મિતા 1981માં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મળ્યા હતાં અને તેમણે 1984માં લગ્ન કર્યા હતાં.
લગ્ન પછી તરત જ તેઓ યુ.એસ. અને છેવટે એટલાન્ટા ગયા હતાં. જ્યાં તેમણે હોટલ, સ્થાવર મિલકત અને બેંકિંગ બિઝનેસની સ્થાપના કરી હતી. તેમને બે બાળકો, પુત્રી આયેશા અને પુત્ર ઋષિ છે. માઇકે 1998થી 1999 દરમિયાન એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
અંતિમ સંસ્કાર વખતે સંબોધન કરતા ઇસ્કોન એટલાન્ટા મંદિરના કો-પ્રેસિડેન્ટ પ્રભુ એચ.જી. વેદાસારા દાસે કહ્યું હતું કે “એક વ્યક્તિએ મને કહ્યું હતું કે તમે જ્યારે પણ તેમના ઘરે જાવ કે તેમને મળવા જાવ ત્યારે હસ્મિતા સૌથી પહેલા તમને પૂછે કે તમે કેમ છો? તેનાથી આગળ વધીને તે હંમેશા કહેતા ‘’પ્લીઝ તમે બેસો, મને પિરસવા દો. આ કોઈ ભૌતિક ગુણવત્તા નથી, હંમેશાં હૃદયથી કાર્ય કરવા માટેનું આ એક આધ્યાત્મિક લક્ષણ છે. હસ્મિતા પટેલ હંમેશા હૃદયથી કામ કરતા હતા.”
માઇક પટેલે જણાવ્યું હતું કે “હસ્મિતા મારી કરોડરજ્જુ હતી, તેના કારણે જ હું બીજાની સેવા અને મદદ કરી શકું છું. તેણે મને ટેકો આપ્યો, મને પ્રોત્સાહન આપ્યું. જ્યારે હું કોઇક પર ક્યારેક ગુસ્સે થતો કે તેમને શિક્ષા કરતો ત્યારે તે મને કહેતી હતી કે દરેકને બીજી તક આપો, કોઈને ત્રીજી તક પણ આપો. તેણે મને પોતાને અન્ય વ્યક્તિના શુઝમાં પગ રાખીને વિચારતા શીખવ્યું હતું.”
તેમના પુત્ર ઋષિએ તેના માતા સાથે બંધબેસતી એક કહેવત યાદ કરતાં જણાવ્યું હતું કે ‘’જ્યાં ઘણા લોકો ઈંટ જોતા હોય છે ત્યાં મારી માતા દિવાલ જોવે છે. મને લાગે છે કે તેમણે જે રીતે પોતાનું જીવન જીવ્યું તે એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસુ છે, તે હંમેશા બીજુ અને મોટું ચિત્ર જોતા હતા. દેખીતી રીતે જ તેમનું કુટુંબ તેમના માટે ઘણું બધું હતું. અને જ્યારે હું તેમને બધું પાછળ છોડીને જતાં જોઉં છું ત્યારે હું ખૂબ જ દુ:ખી થાઉં છું.”
તેમના પુત્રી આયેશાએ કહ્યું હતું કે ‘’મારી માતાએ તેમની કરુણાને ઉદાહરણ દ્વારા શીખવી હતી. તેઓ મને અત્યાર સુધી મળેલા સૌથી કરુણ વ્યક્તિઓ પૈકીના પ્રથમ છે. મારી માતાએ કરુણાની આ સમજને મૂર્તિમંત કરી. તેઓ ખૂબ જ વિચારશીલ, દયાળુ અને નિ:સ્વાર્થ આત્મા હતા.’’
માઇક પટેલ યુ.એસ.માં ભારતીય સમુદાયના એક અગ્રણી સભ્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ક્લિન્ટનના વ્હાઇટ હાઉસ ઇનિશિયેટિવ પર તેમણે એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સના કમિશ્નર તરીકે સેવા આપી હતી અને રાષ્ટ્રપતિ ક્લિન્ટનની 2001ની ભારતની યાત્રા વખતે પણ માઇક પટેલ તેમના કાફલામાં તેમની સાથે જોડાયા હતા.
માઇક, ફેર ફ્રેન્ચાઇઝીંગ ઇનિશિયેટિવના સહ-સ્થાપક પણ છે, નાની વ્યવસાયિક બ્રાન્ડેડ હોટલોની ટ્રીટમેન્ટ અંગે ફ્રેન્ચાઇઝીની ચિંતાઓને અવાજ આપવા માટે માર્ચમાં 300થી વધુ હોટલ માલિકોનાં જૂથની રચના કરવામાં આવી હતી.
ગરવી ગુજરાત અને સોલંકી પરિવાર તરફથી અંજલિ
ગરવી ગુજરાત અને સોલંકી પરિવારે હસ્મિતા પટેલના દુ:ખદ અવસાન પર નિષ્ઠાપૂર્વક શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘’માઇક અને હસ્મિતા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ગાઢ પારિવારીક મિત્રો હતા અને એટલાન્ટા, જ્યોર્જિયામાં ગરવી ગુજરાતનો પાયો સ્થાપિત કરવામાં તેઓ મદદરૂપ બન્યા હતા ત્યાંથી અમે ગરવી ગુજરાત અને એશિયન હોસ્પિટાલિટીનું યુએસ સંસ્કરણ પ્રકાશિત કરીએ છીએ. હસ્મિતા એક વિવેકપૂર્ણ, નિ:સ્વાર્થ આત્મા હતા જેમણે તેમની વિપુલ ઉદારતા અને પ્રેમથી ઘણા લોકોના જીવનને સ્પર્શ્યા હતાં. તેમણે સેંકડો લોકોને મદદ કરી હતી અને અમને આવા ઉમદા આત્માને જાણવાનો લહાવો મળ્યો હતો. આ દુ:ખદ નુકસાનથી આપણે બધાં ગમગીન છીએ.’’
કરુણાની શક્તિ
- આયેશા પટેલ દ્વારા
‘’એક મોટો પાઠ મારી માતાએ મને શીખવ્યો હતો અને તે હતો કરુણાની શક્તિનો. તે મને મળેલી અત્યાર સુધીની સૌથી કરુણ વ્યક્તિ હતી. મારી માતાએ કરુણાની આ સમજને મૂર્તિમંત કરી હતી. અમારા કુટુંબમાં, તે ખૂબ જ વિચારશીલ, દયાળુ અને નિ:સ્વાર્થ આત્મા હતી. તેમનામાં ખૂબ જ સુંદર અને આકર્ષક સ્મિત હતું.’’
‘’હું અમારી અનંત ગપસપો, મોડી રાતના નેટફ્લિક્સ ટીવી શો બિંગિંગ અને અમારી અનંત વાતચીતને ક્યારેય ભૂલીશ નહીં. તે એક સક્રિય શ્રોતા અને ઉત્સાહી વિચારશીલ વ્યક્તિ હતી. તેમના જીવન પ્રત્યેના ઉત્સાહના કારણે તેઓ કોઈપણ પ્રવૃત્તિ માટે એક મહાન સાથી બનતા હતા.’’
‘’હું જ્યારે પણ એટલાન્ટા પરત ફરતી ત્યારે તેઓ હંમેશાં મારા બેડરૂમમાં ધ્યાનપૂર્વક, મારી રુચિ પ્રમાણે ફરીથી રેડેકોરેટ કરાવતા અને હંમેશાં મને નવીન સરપ્રઇઝ આપતા અને હાયપોલર્જેનિક બેડશીટ્સથી આશ્ચર્યચકિત કરતા.’’
‘’તે મનમાં કોઇ જ ગ્રંથી રાખ્યા વગર સાંભળતા. તેમણે કદી અપેક્ષા રાખી ન હતી. તેમણે હંમેશા મદદ કરી હતી કારણ કે તે કરવા યોગ્ય વસ્તુ હતી. તે પ્રામાણિક હતી કારણ કે ત્યાં બીજો કોઈ રસ્તો નહોતો.
ખરેખર મારૂ હૃદય ભાંગી ગયું છે. હું તેની સાથે શારીરિક રીતે ભાવિ જીવનના પ્રકરણો શેર કરી શકીશ નહીં. પરંતુ હું જાણું છું કે તે ભાવનાથી હંમેશા મારી સાથે રહેશે.’’