બ્રિસ્ટોલ ખાતે આવેલા ઓક્શનર ઇસ્ટ બ્રિસ્ટોલ ઓક્શનના સ્ટાફને સોમવારે તા. 3ના રોજ સવારે સાદા પરબિડીયામાં પેક કરેલા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચશ્મા તેમના લેટરબોક્સમાંથી મળી આવ્યા હતા. આખું વિકેન્ડ દરમિયાન લેટરબોક્સમાં કવરનો અડધો ભાગ બહાર રહે તે રીતે પડી રહેલા ચશ્માના £15,000થી વધુ મળશે તેવી અપેક્ષા હરાજી કરનાર એન્ડ્રુ સ્ટોવ રાખી રહ્યા છે.
એન્ડ્રુ સ્ટોવે જણાવ્યું હતું કે ‘’જ્યારે ચશ્માના માલિકને તેની કિંમત કહેવામાં આવી ત્યારે તેને લગભગ હાર્ટ એટેક આવ્યો હતો. મારા સ્ટાફે મને ચશ્મા સોંપ્યા ત્યારે તેની સાથે એક નોંધ હતી જેમાં કહેવાયુ હતું કે તે ગાંધીજીના ચશ્મા છે.’’
ચશ્મા ધરાવતા વ્યક્તિએ જણાવ્યું હતું કે સોનાનો ઢોળ ચઢાવેલા સોનેરી ગોળ ફ્રેમ ધરાવતા ચશ્મા તેમને પેઠી દર પેઢી કુટુંબ દ્વારા સોંપવામાં આવ્યા હતા. જે તેમના પૂર્વજોને 1920ના દાયકામાં એક સંબંધીએ દક્ષિણ આફ્રિકાની મુલાકાત વખતે આપ્યા હતા.
સ્ટોવે કહ્યું હતું કે “અમે તારીખોની તપાસ કરી અને તે બરાબર બંધબેસે છે, તે પછી ગાંધીજીએ ચશ્મા પહેરવાનું શરૂ કર્યું હતું. આ ચશ્માની પહેલી જોડીઓમાંથી એક છે, કારણ કે તેના નંબર બહુ ઓછા છે.”
પોસ્ટ બોક્સના કવરમાં અને તે પણ આસાનીથી ચારાઇ શકે તેવા ચશ્મા કંપની તરીકે મળેલી કદાચ સૌથી મહત્વપૂર્ણ શોધ છે. તા. 21 ઓગસ્ટના રોજ આ ચશ્માની ઓનલાઈન હરાજી થશે.