લંડનમાં ફોરેન એન્ડ કોમનવેલ્થ ઑફિસ ખાતે સેવા આપતા ‘લોર્ડ પામર્સ્ટન ધ ચિફ માઉસર’ તેમની સુદિર્ઘ ફરજ બજાવી રાજદ્વારી સેવામાંથી નિવૃત્ત થયા છે. આ પહેલી લાઇન વાંચીને તમને એમ જ થાયને કે ‘આ શું કયા લોર્ડ નિવૃત્ત થયા? ‘ ના આ કોઇ લોર્ડની નિવૃત્તીની વાત નથી, વાત છે ફોરેન ઓફિસમાં ઉંદર પકડવાની સેવા આપતા ‘બિલાડા’ના રિટાયર્ડ થવાની. તેના પડોશી ડાઉનિંગ સ્ટ્રીટના માઉસ-કેચર લેરી સાથે તેના સારા સંબંધો છે.
આ બંને બિલાડીઓની પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે અને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેવા આપતા ન્યુઝ ફોટોગ્રાફરોમાં તેઓ ખૂબ લોકપ્રિય છે. એપ્રિલ 2016માં, લોર્ડ પામર્સ્ટન નામના બિલાડાને બેટરસી ડોગ અને કેટ શેલ્ટરથી ખાસ પસંદ કરીને લાવવામાં આવ્યો હતો. ચાર ખુશી ભર્યા વર્ષોની સેવા આપનાર આ ડિપ્લોમેટ ટ્વીટર પર 105,000 ફોલોઅર્સ ધરાવે છે. એફસીઓમાં પર્મેનન્ટ અંડર-સેક્રેટરી અને ડિપ્લોમેટિક સર્વિસના વડા સર સાયમન મેકડોનાલ્ડે બિલાડાને શુભેચ્છા પાઠવી હતી.