સાન ફ્રાન્સિસ્કો ખાતે નિમાયેલા નવા ભારતીય કોન્સલ જનરલ નાગેન્દ્ર પ્રસાદના મતે ભારતની કોવિડ કટોકટી હળવી કરવામાં જરૂરી સહાય કરવામાં ભારતીય અમેરિકનો ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે. પ્રસાદે જણાવ્યું હતું સમસ્ત વેસ્ટ કોસ્ટ વિસ્તારની કંપનીઓનો સહકાર ભારતની કોરોના કટોકટી ઘટાડવામાં સહાયરૂપ નીવડી શકશે. કોરોનાવાઈરસના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત બંને દેશોની કટોકટી દૂર કરવામાં રસીઓ ચાવીરૂપ નીવડી શકશે.
તુર્કીમાં ભારતીય રાજદૂત નીમાયેલા સંજય પાંડાના સ્થાને ચાર્જ સંભાળ્યા પછી પ્રસાદ ભારતીય રાજદૂત સંધુની સાથે વોશિંગ્ટનના ગવર્નર જય ઇન્સ્લીને મળ્યા હતા. ભારત અને વોશિંગ્ટન રાજ્ય વચ્ચેની વેપાર ભાગીદારી ઉપર વિચારવિમર્શ થયો હતો. પ્રસાદ બે એરીયા કાઉન્સિલને પણ મળ્યા હતા.
ટી વી નાગેન્દ્ર પ્રસાદ નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો આવ્યા ત્યારથી ભારત સરકારના વંદેભારત મિશનમાં પણ વ્યસ્ત છે. અમેરિકામાં ફસાયેલા 7500 જેટલા ભારતીયો સ્વદેશ પરત મોકલાયા છે. પ્રસાદે જણાવ્યું હતું કે, કોમર્શિયલ ફલાઇટો શરૂ ના થાય ત્યાં સુધી વંદેભારત મિશન ચાલુ રહેશે.
વાઈટ હાઉસના નિષ્ણાતોના મતે અમેરિકા હાલમાં કોરોનાનો ફેલાવો નવા તબક્કામાં છે. શહેરો અને ગ્રામિણ વિસ્તારોમાં અતિ વ્યાપક રીતે પ્રસરી ચૂકેલો કોરોનાનો ફેલાવો અસામાન્ય છે. જાહેર આરોગ્ય અધિકારીઓ જે તે રાજ્યોના ગવર્નરો સાથે મળીને કોરોનાના પ્રતિભાવ સંબંધિત વિચારવિમર્શ કરી રહ્યા છે.
ડો. દેબોરાહ બિર્ક્ષે જણાવ્યું હતું કે ગ્રામિણ વિસ્તારોમાં વસનારાઓએ તેઓ સુરક્ષિત જ છે તેમ માનવાની જરૂર નથી. ગ્રામિણ વિસ્તારોમાં પેઢીઓ જૂના મકાનોમાં વસતા લોકોએ તેમના ઘરમાં પ્રૌઢોની સુરક્ષા માટે ઘરમાં પણ માસ્ક પહેરવા જોઈએ. વાઇટ હાઉસ ટાસ્ટ ફોર્સના કો-ઓર્ડિનેટર ડો. બિર્ક્ષે જણાવ્યું હતું કે, જાહેર આરોગ્ય અધિકારીઓ વ્યક્તિગત રીપોર્ટ ચકાસી રહ્યા છે. ડો. બિર્ક્ષે પોતે પણ 14 રાજ્યોની મુલાકાત લીધી છે. અમેરિકામાં 4.6 મિલિયન કેસો અને 1.55 લાખ મોત નોંધાઇ ચૂક્યા છે.