ભગવાન શંકરની ‘નટેશ શિવ’ તરીકે ઓળખાતી મૂર્તિને દેશના પુરાતત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) માટે ભારત પરત મોકલવામાં આવી રહી છે. ચતુરા મુદ્રા ધારણ કરેલ પથ્થરની ખંડિત નટરાજની પ્રતિમા જાટમકુટા અને ત્રિનેત્ર સાથે પોઝ આપેલો છે. લગભગ 4 ફૂટ ઉંચાઇ ધરાવતી આ પ્રતિમા રાજસ્થાનની 9 મી સદીના અંતમાં પ્રાથિહર શૈલીમાં શિવનું એક દુર્લભ અને તેજસ્વી નિરૂપણ છે.
આ સુંદર શિવજીની મૂર્તિ ફેબ્રુઆરી, 1998માં રાજસ્થાનના બારોલીના ઘાટેશ્વર મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી. 2003માં બહાર આવ્યું હતું કે મૂળ મૂર્તિને દાણચોરીથી યુકે મોકલવામાં આવી છે. યુકેના સત્તાવાળાઓનો સંપર્ક કરી તેમની સહાયથી મૂર્તિનો કબજો ધરાવનાર ખાનગી કલેક્ટરનો સંપર્ક કરતાં તેમણે સ્વૈચ્છિક રીતે 2005માં મૂર્તિ હાઇ કમિશનને પરત કરી હતી. એએસઆઈ નિષ્ણાતોની ટીમે ઇન્ડિયા હાઉસની મુલાકાત લઇ તેની ખાતરી કરી હતી.
ભારત સરકાર ભારતના સાંસ્કૃતિક વારસાને બચાવવા અને તેને વિશ્વ સમક્ષ તેને પ્રદર્શિત કરવા માટે પગલા લઇ રહી છે. મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સાથે મળીને ભારતની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ચોરી કરાયેલી પ્રાચીનકાળની મૂર્તિઓની તપાસ અને પુન:સ્થાપનાના ક્ષેત્રમાં ખૂબ સક્રિય છે. યુએસએ, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જર્મની સહિત વિવિધ દેશોમાંથી પ્રાચીન વસ્તુઓ અને મૂર્તિઓ ભારત પરત ફરી રહી છે.
આ અગાઉ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણી-કી વાવમાંથી ચોરી કરવામાં આવેલા બ્રહ્માજીના શિલ્પને 2017માં પરત લઇ જઇ તેને પુરાના કિલ્લા મ્યુઝીયમમાં સ્થાન અપાયું હતું. 15 ઑગસ્ટ, 2018ના રોજ ભગવાન બુદ્ધની 12મી સદીની કાંસ્યની પ્રતિમા, નવનીતા કૃષ્ણની કાંસ્યની મૂર્તિ, 17 મી સદીની નવનીતા કૃષ્ણની કાંસ્યની મૂર્તિ અને બીજી સદીના ચૂનાના પત્થર કોતરવામાં આવેલા સ્તંભને લંડન મેટ્રોપોલિટન પોલીસે હાઈ કમિશનરને પરત આપ્યાં હતાં.
ભારતીય હાઇ કમિશન લંડન પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળી ચોરી કરાયેલ મૂર્તિઓ અને વસ્તુઓ ફરીથી મેળવવા માટે કામ કરી રહી છે.