ભારતના અયોધ્યામાં બુધવારે (5 ઓગસ્ટ) રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે, ત્યારે એ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા અમેરિકાના ન્યૂ યોર્કમાં જાણીતા ટાઈમ્સ સ્કવેર ખાતેના વિરાટ ઈલેકટ્રોનિક બિલ બોર્ડ્સ ઉપર ભગવાન રામની તસવીરો અને અયોધ્યામાં સાકાર થનારા ભવ્ય રામ મંદિરની થ્રી ડી પ્રતિકૃતિઓ ચમકાવાશે. શિલાન્યાસ વિધિને આયોજકોએ એક વિશિષ્ટ ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો છે.
અમેરિકન ઈન્ડિયા પબ્લિક અફેર્સ કમીટીના પ્રેસિડેન્ટ અને અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી જગદિશ સેવ્હાણીએ જણાવ્યું હતું કે, ન્યૂ યોર્કમાં પણ આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી માટે આયોજન થઈ રહ્યું છે. એ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં મંદિરનું ભૂમિપૂજન કરશે.
સેવ્હાણીએ આપેલી માહિતી મુજબ વિશ્વમાં સૌથી વિરાટ કદની ગણાતી કન્ટીન્યૂઅસ એક્સટીરિયર ડિસ્પ્લેઝમાંની એક, નાસ્ડેકની જાયન્ટ સ્ક્રીન તથા 17,000 ચો. ફૂટની રેપ અરાઉન્ડ એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન પણ થોડા કલાકો માટે લીઝ ઉપર લેવાશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ વિરાટ સ્ક્રીન્સ ઉપર અંગ્રેજી તથા હિન્દીમાં “જય શ્રી રામ” શબ્દો તથા ભગવાન રામની તસવીરો, સૂચિત રામ મંદિરની થ્રી ડી પ્રતિકૃતિ તથા મોદી દ્વારા શિલાન્યાસ કરાય તે પ્રસંગની તસવીરો ફલેશ કરાતી રહેશે.
આ પ્રસંગે સ્થાનિક ભારતીય સમુદાયના લોકો પણ ત્યાં એકત્ર થશે અને શિલાન્યાસની ઉજવણી કરશે, મિઠાઈઓ વહેંચશે. ન્યૂ યોર્કનું ટાઈમ્સ સ્ક્વેર વિશ્વના સૌથી વધુ લોકપ્રિય ટુરીસ્ટ આકર્ષણ કેન્દ્રોમાંનું એક છે.ન્યૂ યોર્કમાં આ ઉજવણી સ્થાનિક ભારતીય સમુદાયના અને સ્પોન્સર્સની સહાય અને સમર્થનથી કરાશે.