બાર્ની ચૌધરી
લેસ્ટરના મેયર સર પીટર સોલસ્બીએ સરકાર પર ‘અસંગત અને સ્કેચી ડેટા’ના આધારે તેમના શહેરમાં લોકડાઉન લાદવા, જનજીવન અને આજીવિકા સાથે રાજરમત કરવાનો આરોપ લગાવ્યો છે. મેયરે સ્થાનિક ઉદ્યોગોને મદદ કરવા સરકારના નાણાંના £13 મિલિયન ખર્ચવાની મંજૂરી માંગતા બે પત્રો મિનિસ્ટર્સને મોકલ્યા છે પરંતુ તેઓ હજી બે અઠવાડિયા પછી પણ જવાબની રાહ જુએ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, લેસ્ટરના લગભગ 40 ટકા લોકો એશિયન બ્રિટિશર્સ છે.
સોલ્સબીએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “લેસ્ટરમાં લૉકડાઉનનો નિર્ણય સ્પષ્ટ રીતે રાજકીય હતો. મૂળ નિર્ણય ગ્રેટર લેસ્ટરના વિસ્તારમાં લોકડાઉનનો હતો. પણ ગયા અઠવાડિયે તેમણે ટોરી સાંસદોના દબાણ પછી આઉટર લેસ્ટરના ટોરી મત વિસ્તારો પરના પ્રતિબંધો હટાવ્યા હતા.”
બીજી તરફ બે વકીલો ન્યાયિક સમીક્ષાઓની માંગણી સાથે સ્વતંત્ર રીતે સરકાર સામે લડી રહ્યા છે. બુશરા અલી લેસ્ટરના 10 નાના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘’સરકારે શહેરને ખોટી રીતે હેન્ડલ કર્યુ છે અને પ્રતિષ્ઠાને કલંક લગાવ્યું છે. આ અઠવાડિયે મને ખબર પડશે કે તે કોર્ટની કાર્યવાહીમાં સફળ થઈ છે કે નહીં. ગેરવ્યવસ્થાના સીલસીલાના કારણે સ્થાનિક બિઝનેસ કોમ્યુનિટીને ભરપાઈ થઈ શકે નહીં તેવું નુકસાન થયું છે.
અહીં સ્થાનિક અધિકારીઓને પગલા લેવાની સત્તા આપી છે પરંતુ સમસ્યા ક્યાં છે તેની વિસ્તૃત માહિતી આપી નથી’’.
બુશરાએ જણાવ્યું હતું કે “અમને ‘લેસ્ટર લેપર્સ’ જેવા વાક્યો સાંભળવા મળી રહ્યાં છે અને અમને ચેપ ફેલાવવા અને કાયદાની અવગણના કરવા માટે જાણીતા બનાવ્યા છે. કાનૂની કાર્યવાહી વળતર માટે નહીં પરંતુ શહેરની પ્રતિષ્ઠા માટે છે.
સોલિસીટર સોફી ખાન લેસ્ટરના એક રહેવાસી વતી ન્યાયિક સમીક્ષાની માંગ કરી રહ્યા છે અને કહે છે કે વૈજ્ઞાનિક પુરાવા લૉક ડાઉનની જરૂરતને સમર્થન આપતા નથી અને તેથી નાગરિક સ્વાતંત્ર્ય અને માનવાધિકારનો ભંગ લોકડાઉનમાં થયો છે. આ મામલો કોર્ટમાં આગળ વધશે તો કોર્ટ પુરાવા જોશે. ખાને દાવો કર્યો હતો કે સરકાર દક્ષિણ એશિયન સમુદાયની વધુ વસ્તીવાળા શહેરો અને નગરોને નિશાન બનાવતી હોય તેવું લાગે છે.
સોફી ખાને જણાવ્યું હતું કે “લેસ્ટર, ઇંગ્લેન્ડમાં બહુસાંસ્કૃતિક શહેર છે. સરકારે એ પછી બ્લેકબર્નને નિશાન બનાવ્યું, જે એશિયનોનો બીજો ગઢ છે, અને પછી તે લુટનનો નંબર આવ્યો. શા માટે સરકાર એશિયનોના આ ગઢને નિશાન બનાવી રહી છે? ”લેસ્ટરની 50 ટકા અશ્વેત વસ્તી યુકેમાં સૌથી વધુ લઘુમતીઓનું પ્રમાણ છે. લુટનમાં આ પ્રમાણ 45 ટકા અને બ્લેકબર્ન અને ડાર્વેનમાં 30 ટકા છે.
સરકારની દલીલ છે કે તે રેસિઝમ સાંખી લેશે નહિં. પરંતુ લેસ્ટર, બ્લેકબર્ન અને ડાર્વેન અને લુટનમાં ક્ષેત્રીય લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય, આરોગ્ય અને બિન-આરોગ્ય સૂચકાંકોની શ્રેણીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. વિવાદ રોગચાળાનો ડેટા શેર કરવા બાબતે છે. શહેરના ડોકટરોએ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને પોસ્ટકોડ સ્તરે માહિતી શેર કરવા હાકલ કરી છે જેથી સ્થાનિક અધિકારીઓ ચોક્કસ વિસ્તારોમાં ઝડપથી કામ કરી શકે.
લેસ્ટર યુનિવર્સિટીના પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસિનના પ્રોફેસર કમલેશ ખુંટીએ જણાવ્યું હતું કે, ‘’અમને ઝડપથી સ્થાનિક ડેટાની જરૂર હોય છે. સ્થાનિક ટીમો ટ્રેસિંગ માટે જવાબદાર છે, આ ક્ષણે ડેટા હજી કેન્દ્રિય સ્તરે છે. અમે બ્લેકબર્નમાં પણ જોયું છે પણ તે લોકોને ટ્રેસ કરવામાં સક્ષમ નથી. બ્લેકબર્ન ફરીથી એક ઉચ્ચ વંશીય લઘુમતી વસ્તીનો વિસ્તાર છે, અને મને લાગે છે કે આ એવા મુદ્દા છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં સમાન હશે જ્યાં BAME ની ઉંચી વસતી હોઈ શકે.”
લેસ્ટરના મેયરે સોલસ્બીએ જણાવ્યું હતું કે “પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ, આરોગ્ય વિભાગ અને હોમ સેક્રેટરી સહિત સરકારના ઘણાં વિભાગ સંકળાયેલા છે અને તેઓ તેમની પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં અને ટેસ્ટીંગ કરવામાં નિષ્ફળ ગયા છે. સ્થાનિક લોકો, સ્થાનિક સમુદાયોને જાણે છે અને તેમને ખબર છે કે તેઓ શું કરે છે.”
‘ગરવી ગુજરાત’ સમજે છે કે ઇંગ્લેન્ડની તમામ કાઉન્સિલો, પોસ્ટકોડ સ્તર સુધીના ટેસ્ટ ડેટા મેળવી શકે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ ગુણવત્તાની ખાતરી બાદ તુરંત જ તે શેર કરે છે, અને 11 જૂનથી આ સ્થિતિ છે. પરંતુ લેસ્ટરના મેયર સર પીટર સોલસ્બીએ તે નકારી કાઢતાં જણાવ્યું હતું કે “તે સંપૂર્ણ વાહિયાત છે. ડેટાનું સ્તર અસંગત છે અને પૂરતું ચિત્ર રજૂ કરતું નથી.”
ગયા અઠવાડિયે લેસ્ટરના મેયરને સ્થાનિક ડેટા એનાલીસ્ટનો આ સંબંધિત ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો જેમાં ડેટાનો ઉપયોગ કરવો અશક્ય, કોઈ સહાયક માહિતી વિનાનો અને કામ ખૂબ મુશ્કેલ બનાવતો જણાવ્યો હતો.‘ગરવી ગુજરાત’ને મેયર દ્વારા હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકને લખેલા બે પત્રો પણ જોવા મળ્યા હતા, જેમાં બિઝનેસ સેક્રેટરી, આલોક શર્મા સહિત ત્રણ અન્ય મિનિસ્ટર્સને કોપી મોકલાઈ હતી.
સોલ્સબીએ તા. 17 જુલાઇએ લખ્યું હતું કે “સોમવાર, 13 જુલાઈની આપણી બેઠકમાં તમે લેસ્ટરના વ્યવસાયોને વધારાના ટેકો પૂરા પાડવાની તમારી પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી. ગઈકાલે તમે જાહેર કરેલા પ્રતિબંધોના કારણે શહેરના વ્યવસાય ક્ષેત્રે રોષ ફેલાયો છે અને ઇમરજન્સી ફંડની માંગણી કરી છે.” સોલ્સબીએ જણાવ્યું હતું કે ‘’તેમણે બીઆઈએસ વિભાગ દ્વારા લેસ્ટર માટે રાખવામાં આવેલા £85 મિલિયનમાંથી £10 મિલિયન પાછા આપવાના રહેશે.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ યોજના શરૂ થયા પછી 6,000થી વધુ બિઝનેસીસને કુલ £70 મિલિયનથી વધુની ગ્રાન્ટ મળી છે. યુકેના અન્ય ભાગોની તુલનામાં ડેટામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, ત્યારે અમે વાયરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉનના પગલાં ફરીથી રજૂ કરવા અને લોકોને બચાવવા સ્થાનિક અધિકારીઓ સાથે મળીને સ્પષ્ટ અને નિર્ણાયક પગલાં લેતા અચકાશુ નહીં.
લેસ્ટરમાં, બ્લેકબર્ન અને લુટનની જેમ, અમે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”સરકાર સામેના આક્ષેપ અંગે પૂછતા ડીએચએસસીએ કન્ઝર્વેટિવ પાર્ટીના મુખ્ય મથક તરફ ‘ગરવી ગુજરાત’નું ધ્યાન દોર્યું હતું. જો કે પ્રકાશન સમયે, ટોરી મુખ્ય મથક અને હેલ્થ સેક્રેટરી બંનેએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.