ભારતીય વાયુ સેનાની શક્તિમાં આજે ભારે મોટો વધારો થયો છે. ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ પાંચેય રાફેલ ફાઈટર વિમાને આજે ભારતીય જમીન પર ઉતરાણ કર્યું છે. પાંચેય રાફેલ વિમાને આજે બપોરે હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે લેન્ડિંગ કર્યું હતું અને ત્યાં વોટર સેલ્યુટ વડે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તે સમયે વાયુ સેનાના ચીફ આરકેએસ ભદોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ફ્રાંસથી મળનારા રાફેલ વિમાનોનો આ પહેલો જથ્થો છે. આ વિમાનોએ મંગળવારે ફ્રાંસ ખાતેથી ઉડાન ભરી હતી અને ત્યાર બાદ તે યુએઈ રોકાયા હતા અને આજે બપોરે અંબાલા પહોંચ્યા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બપોરે રાફેલનો ટચ ડાઉન વીડિયો ટ્વિટ કર્યો હતો. તેમણે ટ્વિટરના માધ્યમથી રાફેલના લેન્ડિંગની જાણકારી આપી હતી અને સાથે જ વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા હતા. યુએઈ ખાતેથી ઉડાન ભર્યા બાદ પાંચેય રાફેલ વિમાન બપોરે ત્રણ કલાક આસપાસ અંબાલા એરબેઝ ખાતે પહોંચ્યા હતા.

રાજનાથ સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે રાફેલ મળ્યા તે વાયુસેનાના ઈતિહાસમાં ક્રાંતિકારી ફેરફાર બનશે અને દુશ્મનો આપણા સામે નજર કરતા પહેલા અનેક વખત વિચારશે. ઉલ્લેખનીય છે કે રાફેલ વિમાનને હજુ સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ નથી કરવામાં આવ્યા અને ઈન્ડક્શન માટે સેરેમની યોજવામાં આવશે. બપોરે 1:30 કલાકે પાંચેય વિમાને ભારતીય વાયુ સીમામાં પ્રવેશ કર્યો હતો અને કંટ્રોલ રૂમે પાંચેય વિમાનનું સ્વાગત કરીને બેસ્ટ ઓફ લક કહ્યું હતું.

https://twitter.com/rajnathsingh/status/1288413583173234690?s=20