એક ભારતીય નાગરિક માટે અમેરિકામાં સ્થાયી નિવાસ અથવા ગ્રીન કાર્ડ મૅળવવા માટેનો બેકલોગ ૧૯૫ વર્ષથી વધારેનો છે. ટોચના રીપબ્લિકન સેનેટર માઇક લીએ પોતાના સેનેટ સહયોગીઓને આ સમસ્યાના ઉકેલ એક લેજિસ્લેટિવ ઠરાવ પસાર કરવાની અપીલ કરી છે.
ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયમી વસવાટ માટે મહત્ત્વનું છે. સેનેટર માઇક લીએ બુધવારે જણાવ્યું હતું કે હાલની ગ્રીન કાર્ડ નીતિમાં કોઈ વિદેશી કામદારના બાળક માટે કોઈ રાહત કે રક્ષણની જોગવાઈ નથી. તેના મૃત માતા-પિતા ગ્રીન કાર્ડની રાહ જોતા જોતા જોબ ગુમાવી બેઠા હોય અને તેમની ગ્રીન કાર્ડની અરજી નકારી કાઢવામાં આવી હોય તેમાં બાળકો પણ ભોગ બને છે.
લીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ભારતના બેકલોગમાં પ્રવેશ કરનાર કોઇ વ્યકિતને ઇબી-૩ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરવા માટે ૧૯૫ વર્ષની લાંબી રાહ જોવી પડે તેમ છે. ૨૦૧૯માં ૯૦૦૮ ભારતીય નાગરિકોને કેટગરી ૧ (ઇબી-૧), ૨૯૦૮ ભારતીય નાગરિકોને કેટેગરી ૨ (ઇબી-૨) અને ૫૦૮૩ ભારતીય નાગરિકોને કેટગરી ૩ (ઇબી-૩) ગ્રીનકાર્ડ આપવામાં આવ્યા હતાં. ઇબી-૧ કેટેગરી ૩ એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ છે.
સેનેટર ડર્ક ડર્બિને ઉઠાવેલા મુદ્દા પર બોલતા ઉટાહના સેનેટર લીએ ઈમિગ્રન્ટ શ્રમિકો અને તેમના બાળકોને રક્ષણનો મુદ્દો રજૂ કર્યો છે. ગ્રીન કાર્ડ એવા ઘણા લોકો માટે મહત્ત્વના છે જે કામચલાઉ વર્ક વિઝા પર અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. બેકલોગના કારણે પરિવારોને પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ ગુમાવવાનો ખતરો પેદા ઉભો થયો છે.
ડર્બિને વધુમાં જણાવ્યું હતું કે આપણી દ્વિપક્ષીય સમજૂતી બેકલોગમાં ફસાયેલા ઈમિગ્રન્ટ શ્રમિકો અને તેમના નજીકના પરિવારના સભ્યો માટે મહત્ત્વની સુરક્ષા આપશે, જેનો મૂળ બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કલ્પના કરો કે જો તમે તમારા બાળકો સાથે એચ-૧બી વિઝા પર જોબ માટે અમેરિકા આવ્યા અને તમારા બાળકો ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે. તેઓ અમેરિકાના નાગરિક ન હોવાથી તમે તેમની કોલેજની ફી ચૂકવી રહ્યાં છો કારણકે તેમને અમેરિકાની સરકાર તરફથી નાણાકીય સહાય મળતી નથી. તમે તેમના માટે ઘણા બલિદાન આપો છો અને પછી એક દિવસ આવે છે કે તેઓ ૨૧ વર્ષના થઈ જાય ત્યારે તેમને અમેરિકાથી કાઢી મુકવામાં આવે અને તમારો પરિવાર વિભાજિત થઇ જાય.
આ બન્નેએ રજૂ કરેલા એગ્રીમેન્ટને બહાલી મળે તો તેનાથી હાઈલી સ્કિલ્ડ માઈગ્રન્ટ્સ એકટમાં ત્રણ સુધારા શક્ય બનશે, જેના પગલે ગ્રીન કાર્ડના બેકલોગમાં ફસાયેલાઓને અને તેમના પરિવારોને રાહત મળશે. એચ1-બી વીઝા ધારકો જોબ્સ બદલી શકશે, અન્ય સ્થળે જઈ શકશે અને તેમછતાં તેમનું ઈમિગ્રેશન સ્ટેટસ બદલાશે નહીં. આવા વીઝા ધરાવતા લોકોના બાળકોને ઉમરના કારણે ડીપોર્ટેશન સામે રક્ષણ મળશે.