અમેરિકામાં ૩૦,૦૦૦ લોકોને કોરોનાની વધુ એક વેક્સીન આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની વેકસીન માટેનો આ અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ છે. આ ફાઇનલ ટેસ્ટ છે અને તેને વિવિધ સંક્રમિત ઝોનમાં વસતા લોકા પર કરવામાં આવી રહ્યો છે.
આ વેકસીન અંગે અત્યાર સુધી કોઇ દાવો કરવામાં આવ્યો નથી. જે લોકોને આ વેકસીન આપવામાં આવી છે તેમના પર આ વેકસીન અને તેના ડમી ડોઝની શું અસર થશે તે અંગેની માહિતી તેમની ઝીણવટભરી તપાસ કરવામાં આવ્યા પછી જ આપવામાં આવશે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને આ વેકસીન આપવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ અને મોડર્ના કંપની દ્વારા સંયુક્તપણે આ વેકસીન તૈયાર કરવામાં આવી છે.
આ વેકસીનના બે ડોઝ પછી વૈજ્ઞાાનિકો નક્કી કરશે કે જે લોકોને આ વેકસીન આપવામાં આવી છે તેમના પર તેની શું અસર થઇ છે. આ વેકસીન તેના અંતિમ પરિક્ષણમાં છે. અત્યાર સુધી જેટલા પણ પરિક્ષણ કરવામાં આવ્યા છે તેમાં આ વેકસીનના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે. મનુષ્ય પર આ વેકસીનની કોઇ ઘાતક અસર જોવા મળી નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની સરકાર ઇચ્છે છે કે તેમના દેશમાં કોરોના સામે લડવા માટેની જેટલી પણ વેકસીન વિકસિત કરવામાં આવે તેનું પરિક્ષણ અમેરિકાના લોકો પર જ કરવામાં આવે. તેનું કારણ એ છે કે કોરોનાની અસર જે તે વિસ્તારની ભૌૈગોલિક પરિસ્થિતિ ઉપર પણ આધાર રાખે છે.
આ જ કારણે છે કે કોરોનાની આઠ અલગ અલગ સ્ટ્રેન્સ વિકસિત થઇ ગઇ છે. આ જ કારણ છે કે અલગ અલગ વિસ્તારમાં કોરોનાની અસરો અલગ અલગ જોવા મળે છે અને તેથી જ શરૃઆતના તબક્કામાં કોરોના થયો છે કે તે નક્કી કરવું પણ મુશ્કેલ બને છે. એટલા માટે જ સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને વેક્સિન તૈયાર કરવામાં આવે.