સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (પીએચઇ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં મેદસ્વીપણા અથવા વધારે પડતા વજનના કારણે કોરોનાવાયરસથી ગંભીર બીમારી અને મૃત્યુનું જોખમ વધે છે તેવા નિષ્કર્ષના આધારે નિષ્ણાંતોએ લોકોને તંદુરસ્ત વજન જાળવી રાખવા અને મેદસ્વીપણાથી બચવા અપીલ કરી છે.
યુકે અને આંતરરાષ્ટ્રીય પુરાવા સૂચવે છે કે વધુ વજન તેમજ બોડી માસ ઇન્ડેક્સ (BMI) વધુ હોવાના કારણે લોકોને હોસ્પિટલમાં તેમજ ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે
પીએચઇના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. એલિસન ટેડસ્ટોને જણાવ્યું હતું કે, ‘’વજન ઓછું કરવું મુશ્કેલ છે અને તેને ટકાવી રાખવું પણ મુશ્કેલ છે. વજન ઓછું કરવાથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે અને કોવિડ-19 સ્વાસ્થ્યના જોખમો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.”
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, એન્ટી-ઓબેસિટી ડ્રાઇવ માટેની ડાઉનિંગ સ્ટ્રીટની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપશે તેવા અહેવાલો બાદ આ અભ્યાસના તારણો બહાર આવ્યા છે. કોરોનાવાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ થયા બાદ વડાપ્રધાને બ્રિટીશ જનતાને જીવલેણ કોરોનાવાયરસ સામે લડવાના પ્રયત્નોના ભાગ રૂપે એક વર્ષમાં વજન ઘટાડવાનું લક્ષ્ય બનાવવા કહ્યું હતું.
પીએચઇ રિપોર્ટ નોંધે છે કે 30થી વધુ બીએમઆઇ જોખમી છે અને વધારે ચરબી શ્વસનતંત્રને અસર કરી શકે છે અને સંભવ છે કે તે બળતરા અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 35થી 40નો BMI ધરાવતા લોકોમાં કોરોનાવાયરસથી થતા મૃત્યુનું જોખમ 40 ટકા વધારે અને 40થી વધુ BMI ધરાવતા લોકોમાં મરણનું પ્રમાણ 90% વધારે રહે છે. ઇંગ્લેન્ડમાં લગભગ બે તૃતીયાંશ (63 ટકા) લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી હોય છે.