વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સેફહેવન રૂપી લેવાલીનું પ્રમાણ વધતા ત્યાં સોના- ચાંદી સહિતની અન્ય કિંમતી ધાતુઓ ઉછળતા સ્થાનિક બજાર પર તેની સાનુકૂળ અસર જોવા મળી હતી. અત્રે અમદાવાદ સોના- ચાંદી બજાર ખાતે સોના-ચાંદીમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે.
અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી, કોવિડ મહામારીમાં ઉગરવા બીજા સ્ટીમ્યુલસ પેકેજની સંભાવના, ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો, ગોલ્ડ-સિલ્વર માઇનિંગ બંધ તથા પુરવઠો ખોરવાઇ જવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ સપ્ટેમ્બર 2011 બાદ 1970 ડોલર પહોંચ્યું છે જેના પગલે અમદાવાદમાં આજે વધુ પ્રતિ 10 ગ્રામ 1200 ઉછળી 54300 બોલાયું છે.
જ્યારે ચાંદીમાં તેજીની સર્કિટ સાથે 24 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે રૂ.3000 ઉછળી 64000 બોલાઇ છે. અમદાવાદમાં ચાર માસમાં ચાંદીમાં રૂ.29000નો ઉછાળો આવ્યો છે. બીજી બાજુ કોરોના મહામારીના કારણે ગોલ્ડ-સિલ્વર માઇનિંગ કામગીરી અટકી હોવાથી તેમજ ડિલિવરી તથા આયાત ઠપ રહેવાના કારણે ભાવ ઝડપી ઉછળી રહ્યાં છે.
સલામત રોકાણ તરીકે સોના-ચાંદીને રોકાણકારો પહેલી પસંદ આપી રહ્યાં છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 1970-2030 ડોલર અને ચાંદી 24-26 ડોલર થવા સાથે દિવાળી સુધીમાં સ્થાનિક બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.56000 થી 57000 જ્યારે ચાંદી કિલોગ્રામ દીઠ રૂ.70000-72000 થઇ શકે છે. હવે ચાંદી પણ આ દિશામાં આગળ ધપી રહી છે. વર્તમાન રફતાર યથાવત રહેવાનાં સંજોગોમાં એકવાર સપ્તાહમાં જ નવી ટોચ બનાવે તેવી શકયતાનો ઈન્કાર થતો નથી.