કોરોના મહામારી જેવા ઘાતક સંકટ વચ્ચે અસામ રાજ્ય પૂર સામે પણ ઝઝૂમી રહ્યુ છે, ભારે પૂરના કારણે અસામના 33 જીલ્લાઓના 28 લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોના ઘર તણાઇ ગયા છે. અસામમાં પૂરના પાણી અત્યાર સુધી 105 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યુ છે. અહીંના કાજીરંગા નેશનલ પાર્કમાં પણ પારી ભરાઇ જતા 96થી વધારે જંગલી જાનવરો માર્યા ગયા છે.
પૂરથી પ્રભાવિત લોકોને રાજ્ય સરકાર પૂરતી મદદ કરવાના પ્રયત્ન કરી રહી છે. અહીં 10 ગામ એવા છે જે સંપર્ક વિહોણા થતા તંત્ર સક્રિય બન્યુ હતું. પૂર અને કોરોના મહામારી એમ બેવડા સંકટો સામે એકસાથે ઝઝૂમી રહેલી અસામ સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે કે, તેના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાનુ આયોજન કરે.
આ માટે રાજ્ય સરકાર બંને તરફ વ્યવસ્થા પૂરી પાડવા અર્થે દળો બનાવી ચૂકી છે. શુક્રવાર સુધી અહી 28 જીલ્લાઓ પૂરથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ અસામના 2678 જેટલા ગામ હજુપણ પાણીમાં ડૂબેલા છે અહીં 1,16,404 હેક્ટરમાં તૈયાર થયેલો પાક નષ્ટ થયો છે.