કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરીથી શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું- પીએમએ સતામાં આવવા માટે પોતાની ફેક મજબૂત છબી ઉભી કરી છે. આ તેમની સૌથી મોટી તાકાત છે પરંતુ ભારત માટે આ સૌથી મોટી નબળાઈ છે.
રાહુલે ટ્વિટની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ચીન આજે અમારા વિસ્તારમાં આવીને બેઠું છે. તેમાં તેમણે ચીનની રણનીતીનો ખુલાસો કર્યો છે.
ચીન કોઈ રણનીતી વગર પગલા ભરતું નથી. તેના મગજમાં વિશ્વનો નકશો છે અને તે પોતાની રીતે તેને આકાર આપી રહ્યું છે. તેમાં ગ્વાદર અને બેલ્ટ એન્ડ રોડ પણ સામેલ છે. જ્યારે તમે ચીન વિશે વિચારો તો તમારે એ સમજવું પડશે કે તે કયાં સ્તરે વિચારી રહ્યું છે.
ચીન પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. પછી તે ગલવાન હોય, ડેમચોક હોય, પૈંગોંગ સરોવર હોય. તેમનો ઈરાદો સ્પષ્ટ છે- મજબૂત સ્થિતિમાં આવવું. તેઓ આપણા હાઈવેથી પેરેશાન છે. સાથે જ તે કાશ્મીરમાં પાકિસ્તાનની સાથે મળીને કઈક કરવા માંગે છે. આ કારણે આ કોઈ સાધારણ વિવાદ નથી.