ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ભારત અને ચીનના લોકોને ખૂબ જ પ્રેમ કરે છે તેવું જાહેર કર્યું હતું. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેલી મૈકેનનીએ ગુરૂવારે જણાવ્યું કે, ટ્રમ્પ ભારત અને ચીન વચ્ચે શાંતિ સ્થાપવા તમામ સંભવિત પ્રયત્નો કરવા તૈયાર છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ‘બંને દેશના લોકોની ભલાઈ માટે શાંતિ જરૂરી છે અને તેને પુનઃસ્થાપિત કરવા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું.’
પૂર્વીય લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ ત્યાર બાદ ટ્રમ્પ પ્રશાસને ખુલીને ભારતનું સમર્થન કર્યું હતું. અમેરિકી સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈ પણ જાતના સંઘર્ષની સ્થિતિમાં અમેરિકી સેના ભારતનો સાથ આપશે. મૈકેનનીના કહેવા પ્રમાણે ટ્રમ્પે જણાવ્યું કે, ‘હું ભારતના લોકોને પ્રેમ કરૂં છું અને હું ચીનના લોકોને પણ પ્રેમ કરૂં છું. માટે એ બધા જ પ્રયત્નો કરવા તૈયાર છું જેના વડે બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાઈ શકે.’
વ્હાઈટ હાઉસના સલાહકાર લૈરી કુડલોએ ગુરૂવારે જ ભારતને અમેરિકાનું સૌથી વિશ્વસનીય સહયોગી ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ સારા મિત્રો છે જેનો બંને દેશના સંબંધોમાં ઘણો લાભ થઈ રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પણ બુધવારે ભારતને ખૂબ સારો સહયોગી દેશ ગણાવ્યો હતો અને ચીનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત અમેરિકાનું મોટું ભાગીદાર છે અને તેના વગર વિશ્વમાં શાંતિની કલ્પના જ અશક્ય છે. સરહદ પર ચીન સાથેની અથડામણ સહિત અનેક મુદ્દે તેઓ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરે છે.
પોમ્પિયોએ કહ્યું હતું કે, ‘ભારત એક મોટું જોડીદાર છે. તે અમારૂં મહત્વપૂર્ણ સહયોગી છે. મારા સમકક્ષ વિદેશ મંત્રી સાથે મારે સારા સંબંધો છે. અમે ઘણી વખત વિભિન્ન મુદ્દે વાતચીત કરીએ છીએ. અમારે ચીન સાથે જોડાયેલી સરહદે અથડામણ સંબંધી ચર્ચા પણ થયેલી છે. ચીની દૂરસંચાર માળખાના કારણે ત્યાં જે જોખમ સર્જાઈ શકે તેની વાતચીત પણ થઈ હતી.’
ચીને હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો ત્યાર બાદ અમેરિકાએ હોંગકોંગને આપેલો વિશેષ દરજ્જો પાછો લઈ લીધો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે હવેથી હોંગકોંગ સાથે ચીન જેવો જ વ્યવહાર થશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ હોંગકોંગને વિશેષ દરજ્જો નહીં અપાય અને હોંગકોંગ સાથે કોઈ વિશેષ આર્થિક સંબંધો નહીં રખાય તેમ જણાવ્યું હતું. આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા ચીની વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂત ટેરી બ્રૈનસ્ટૈડનો સંપર્ક સાધ્યો હતો.
ઉપ વિદેશ મંત્રી ઝેંગ જેંગુઆંગે બ્રૈનસ્ટૈડને જણાવ્યું કે, આ પગલાથી ચીનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ થયો છે અને આંતરરાષ્ટ્રીય નિયમ કાયદાનું પણ ગંભીર ઉલ્લંઘન થયું છે. તેમણે અમેરિકી રાજદૂતને જણાવ્યું કે, ચીન પોતાના હિતોની રક્ષા કરવા અમેરિકી કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મુકવા સહિત અન્ય પગલાં ભરશે. અગાઉ પણ ચીને અમેરિકાને નિશ્ચિત પ્રતિબંધો સાથે જવાબ આપવાની ધમકી આપી હતી.