કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે ચીનની સેન્ટ્રલ બેંક પીપુલ્સ બેંક ઓફ ચાઈના તરફથી HDFC માં ભાગીદારીને લઇ આવેલા સમાચારથી હડકંપ મચી જવા પામ્યો છે. આ સમયે સરકારે FDI નિયમોને પણ કડક કરી દીધા છે. તેમના કડકાઈભર્યા પગલાને કારણે ચીનની સેન્ટ્રલ બેંક પીપુલ્સ બેંક ઓફ ચાઈનાએ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી હાઉસિંગ ફાયનાન્સ કંપની HDFC માં પોતાની ભાગીદારી ઘટાડી દીધી છે. એપ્રિલમાં પીપુલ્સ બેંક ઓફ ચાઈનાએ HDFC માં ૧.૦૧ ટકાની ભાગીદારી ૩૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ખરીદી હતી.
ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એચડીએફસી તરફથી સ્ટોક માર્કેટમાં એક્સ્ચેન્જમાં આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે,ચીનની સેન્ટ્રલ બેંકે HDFC ને પોતાની ઓછામાં ઓછી ભાગીદારી વેચી છે. એક્સ્ચેન્જ દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, જૂન મહિનાના અંત સુધીમાં ચીની સેન્ટ્રલ બેંક ૧ ટકા પોતાની ભાગીદારી ઓછી કરી દીધી છે. PBOC એ ઓપન માર્કેટમાં પોતાના શેર વેચી દીધા છે.
હિંદુ બીઝનેસ લાઈન સમાચારના બજાર સુત્રોએ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, એચડીએફસીના શેરમાં ઘટાડો થયો છે તે કારણ આજ છે. એચડીએફસીના શેર રેકોર્ડ સ્તરથી ૪૦ ટકા નીચે ગગડી ગયો હતો અને એપ્રિલના અંતે નીચા લેવલ પર આવી ગયો હતો પરંતુ હવે થોડીક રીકવરી આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પીપુલ્સ બેંક ઓફ ચાઈના ભારતમાં ગુસ્સાના શિકારથી બચવા માટે પોતાની ભાગીદારી એક ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે.