બીબીસીના હિન્દીના પૂર્વ વડા કૈલાસ બધવારનું નિધન

0
581

અમિત રોય દ્વારા

બીબીસીના હિન્દી સર્વિસના પૂર્વ વડા અને બ્રિટનમાં ભારતીય પત્રકારત્વ શ્રેત્રે મોખરાનું નામ ગણાતા વરિષ્ઠ પત્રકાર કૈલાસ બધવારનું શનિવાર તા. 11ના રોજ નોર્થ વેસ્ટ લંડનની નોર્થવિક પાર્ક હોસ્પિટલ ખાતે 88 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે 1979થી 1992 દરમિયાન બીબીસીમાં હિન્દી અને તામિલ વિભાગના વડા તરીકે સેવાઓ આપી હતી અને તે પદ પર નિમણૂક કરાયેલા પ્રથમ ભારતીય હતા.

શ્રી બધવારે ઑલ ઇન્ડિયા રેડિયો માટે પણ કામ કર્યું હતું અને તેઓ 1970માં બ્રિટન આવ્યા હતા. તેઓ ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશન (IJA)ના સક્રિય સભ્ય અને જનરલ સેક્રેટરી હતા તેમજ કોમનવેલ્થ જર્નાલિસ્ટ્સ એસોસિએશનના સક્રિય સભ્ય હતા. તેઓ ખૂબ જ આદરણીય અને લોકપ્રિય વ્યક્તિ હતા. આઇજેએની વાર્ષિક સામાન્ય સભાઓમાં નવા પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને સમિતિના સભ્યોની પસંદગી કરવામાં આવતી ત્યારે તેઓ રીટર્નિંગ ઓફિસર તરીકે સેવા આપતા હતા.૨૦૧૦માં IJA દ્વારા પ્રકાશીત એન્યુઅલ યરબુકમાં તેમણે પોતે બીબીસીમાં ગાળેલા સમયને યાદ કર્યો હતો.

તેમણે યરબુકમાં 70ના દાયકામાં પાકિસ્તાનના સંકટ, તત્કાલિન પુરોગામી માર્ક ટલી, ભારતના સ્ટેટસમેનના ભૂતપૂર્વ એડિટર ઇવાન ચાર્લ્ટન, અને એટી મેસન, 1978ની શરૂઆતમાં આયાતોલ્લાહ ખોમેનીના ઈરાન આગમન વગેરે અંગે માહિતી આપી હતી. તેમના સમાયગાળામાં બીબીસી વર્લ્ડ સર્વિસના હિન્દી પ્રસારણોને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને બાકીના દક્ષિણ એશિયામાં નિયમિતપણે ઓછામાં ઓછા 35 મિલિયન શ્રોતાઓ દ્વારા સાંભળવામાં આવતા હતા.”

બીબીસી છોડ્યા પછી, તેઓ રેડિયો અને ટીવીના વિશાળ ક્ષેત્ર માટે દક્ષિણ એશિયન બાબતોના ફ્રીલાન્સ કોમેન્ટેટર હતા. બ્રોડકાસ્ટર, લેખક, ડાયરેક્ટર અને પ્રેઝન્ટર કૈલાસનાથ બધવારનો જન્મ તા. 11 એપ્રિલ, 1932ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તેમણે અનુક્રમે બી.એ. અને એમ.એ.નો અભ્યાસ કર્યા બાદ તેમણે રાંચી અને કરનાલ પબ્લિક સૈનિક સ્કૂલમાં સીનીયર હાઉસ માસ્ટર અને વિભાગના વડા તરીકે સેવાઓ આપી હતી. તેમણે અભિનયમાં રસ હોવાથી 1950ના દાયકાના મધ્ય ભાગમાં મુંબઇમાં મુંબઇના વિખ્યાત પૃથ્વી થિયેટરમાં સમય પસાર કર્યો હતો.

શ્રી બધવારે 62 વર્ષ પૂર્વે પત્ની વિનોદિની સાથે લગ્ન કર્યા હતા અને પરિવારમાં પુત્ર, અભિનેત્રી મમતા કાશ સહિત ત્રણ પુત્રીઓ અને સાત પૌત્ર-પૌત્રીઓ છે.

શ્રી બધવારના પુત્રી મમતાએ કહ્યું હતું કે “અમે આખા વિશ્વમાંથી આવતા હજારો શોક સંદેશાથી અભિભૂત છીએ. મારા પિતાનું સોરાયસિસથી ઉભી થયેલી મુશ્કેલીઓના કારણે નિધન થયું હતું. તેમણે નોર્થવિક પાર્ક હોસ્પિટલના ડોકટરો અને નર્સોનો આભાર માન્યો હતો. તેમને કોવિડ મુક્ત સિંગલ રૂમમાં ખસેડવામાં આવ્યા હોવાથી પરિવારના સભ્યો તેમને અંતિમ દિવસોમાં જોઈ શક્યા હતા.

તેમણે ફિલ્મ લિજેન્ડ પૃથ્વીરાજ કપૂર સાથે શ્રી બધવારની મિત્રતાનું કારણ જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘’મારા દાદા સસરા પ્રો. જે. દયાળ, પૃથ્વીરાજના “ગુરુ” હતા, જેમણે પૃથ્વીરાજને લો કરવાના બદલે અભિનયમાં કરવા મનાવ્યા હતા. પૃથ્વીરાજ છેક સુધી શ્રી બધવાર સાથે સંપર્કમાં હતા અને 1972માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ બીબીસી હિન્દીના વિશ્વાસુ શ્રોતા હતા.

મમતાએ જણાવ્યું હતું કે “તેઓ અમને ગુરુદ્વારા, મસ્જિદ, મંદિર અને ચર્ચમાં લઇ ગયા હતા પરંતુ તેમણે ધર્મને કદી ધર્મ તરીકે ઉજવ્યો નહતો. તેઓ આધ્યાત્મિક હતા પણ હંમેશા કહેતા સૂર્ય એક જ છે પણ તમે તેને જુદા જુદા નામોથી બોલાવો છો.” આ તેમનો વારસો હતો. બીબીસીમાં શ્રી બધવારના એક સમયના સાથી, વિલિયમ ક્રૌલીએ પણ શ્રી બધવાર સાથેની યાદોને તાજી કરી હતી.