એક તરફ રાજસ્થાનમાં ગહલોત સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ રજકીય સંકટ દરમિયાન સોમવારના રોજ અશોક ગહલોતના અંગત વ્યક્તિઓ અને કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ પર ઈન્કમટેક્સના દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવામાં રાજસ્થાન કોંગ્રેસની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. સોમવારના રોજ રાજસ્થાન કોંગ્રેસના બંને નેતાના 24 જેટલા ઠેકાણાઓ પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે.
આ દરોડા રાજસ્થાન કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રાજીવ અરોડા અને ધર્મેન્દ્ર રાઠોડના ઠેકાણાઓ પર પાડવામાં આવ્યા છે. 200થી વધારે અધિકારીઓ સાથે મળીને દરોડા પાડવાની આ કાર્યવાહીને કરી રહ્યા છે. આ બંને નેતાઓને ગહેલોતના ખાસ ગણવામાં આવે છે.
રાજીવ અરોડાને મુખ્યમંત્રી અશોક ગહલોતના ફાઈનાન્શિયલ મેનેજર માનવામાં આવે છે. જ્યારે ધરમેન્દ્ર રાઠોડ તેમના સૌથી ખાસ વ્યક્તિઓમાંથી એક છે. રાજીવ અરોડા જ્વેલરી ફર્મના માલિક છે જ્યારે ધર્મેન્દ્ર રાઠોડે અશોક ગહલોતના દીકરા વૈભવ ગહલોતની લોકસભા ચૂંટણી લડતી વખતે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ટીમ ધર્મેન્દ્ર રાઠોડના ઘરે પહોંચી ગઈ છે. દરોડા પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. એકતરફ જ્યાં રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી ખતરામાં છે ત્યારે મુખ્યમંત્રીના ખાસ ગણાતા લોકો પર કરવામાં આવી રહેલા કાર્યવાહીથી સમગ્ર જયપુરમાં રાજકીય ચર્ચાનો માહોલ ગરમાયો છે