આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી ગઈ હતી. કહેવાય છે કે હથિયાર છીનવવાની કોશિશમાં ગાડી પલટી હતી. વિકાસ દુબેએ કાર પલટી જતા ઘાયલ થયેલા પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી અને આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થઈ ગયું.
વિકાસે પોલીસ પર ફાયરિંગ કર્યું અને સ્વબચાવમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં ઘાયલ થયેલા વિકાસ દુબેને જે હોસ્પિટલમાં લઈ જવાયો. હોસ્પિટલમાં ડોક્ટરોએ પણ એ વાતને સત્તાવાર સમર્થન આપ્યું છે કે વિકાસ દુબે હવે આ દુનિયામાં નથી. યુપી પોલીસના આઠ જવાનોની બર્બરતાથઈ હત્યા કરવાની વારદાતનો મુખ્ય આરોપી વિકાસ દુબેને લઈને યુપી એસટીએફનો કાફલો કાનપુર આવી રહ્યો હતો.
ગાડીઓ કાનપુરમાં પ્રવેશી ચૂકી હતી. સ્પીડમાં હતીં. ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ ગાડી અચાનક પલટી ગઈ પણ કહેવાય છેકે ગાડીમાં બેઠેલા વિકાસ દુબેએ કાનપુરમાં ગાડી પ્રવેશતા જ પોલીસકર્મીની પિસ્તોલ છીનવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ગાડી પલટી ગઈ. જેમાં વિકાસ દુબે અને પોલીસકર્મી ઘાયલ થયા. આમ છતાં વિકાસ દુબેએ પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી.
ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. એસટીએફએ વિકાસને હથિયાર બાજૂ પર મૂકીને સરન્ડર કરવાનું કહ્યું. છતાં વિકાસ ન માન્યો અને પોલીસે મજબૂરીમાં એન્કાઉન્ટર કરવું પડ્યું. અથડામણ બાદ વિકાસ દુબેને કાનપુરની લાલા લજપતરાય હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો.
ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ધરપકડ કરાયો હતો. એસટીએફ તેને લઈને સડકમાર્ગે કાનપુર માટે રવાના થઈ હતી. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે ત્યારબાદ ફરાર હતો. કાનપુર આઈજી મોહિત અગ્રવાલે પણ નિવેદન આપતા કહ્યું કે અકસ્માતમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.