ભારત સરકારે ચીન સામેની આર્થિક કાર્યવાહીની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. પહેલાં ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ અને હવે હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી અટકાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી કે ભારતના હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે ભારતના એક પણ હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીને એન્ટ્ર નહીં મળે એટલું જ નહીં પરંતુ જોઈન્ટ વેન્ચર્સમાં પણ ચીની કંપનીઓને બાકાત રાખવામાં આવશે. MSME સેક્ટરમાં ચીની રોકાણકારોને ધ્યાનમાં ન લેવાનું પણ સરકારે સુનિશ્ચિત કર્યું છે. ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં એક પોલિસી લાવવામાં આવશે જેને આધારે ચાઈનીઝ કંપનીઓની એન્ટ્રી બંધ થશે અને ભારતીય કંપનીઓ માટેના નિયમો સરળ બનાવાશે.
ભારતીય કંપનીઓને વધારેમાં વધારે ભાગીદારી મળે તે વાત પોલિસીમાં ધ્યાનમાં લેવામાં આવશે. હાઈવે પ્રોજેક્ટ્સમાં હાલના સમયમાં ચાઈનીઝ રોકાણકારો અંગે ગડકરીએ કહ્યું કે કેટલાક એવા પ્રોજેકેટ્સ છે જેમાં ચાઈનીઝ રોકાણ સામેલ છે તેથી જો કોઈ ચાઈનીઝ વેન્ચર હશે તો ટેન્ડરની પ્રક્રિયા ફરી વાર શરૂ કરવામાં આવશે. નવા નિયમ અંગે તેમણે કહ્યું કે આ વર્તમાન અને આવનારા ટેન્ડરને લાગુ પડશે.
તેમણે કહ્યું કે હાઈવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને સારી તકો મળે તેને માટે નિયમો સરળ બનાવવાનો અમે નિર્ણય કર્યો છે. તેને માટે હાઈવે સેક્રેટરી અને એનએચએઆઈની એક સંયુક્ત બેઠક મળશે જેમાં ટેન્ડર અંગે ટેકનિકલ અને ફાઈનાન્શિયલ નોર્મ્સ સરળ બનાવાના મુદ્દે ચર્ચા થશે. તેમણે સ્પસ્ટ કહ્યું કે ભારતીય કંપનીઓને ટેન્ડર મેળવવા માટે વિદેશી કંપનીઓનો સહારો ન લેવો પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.