ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના દૈનિક કેસમાં સતત નવો વિક્રમી વધારો થવાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 725 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 36123 થઇ ગયો છે. જુલાઇ મહિનાના ચાર દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 3480 થઇ ગયો છે. આમ, જુલાઇ મહિનામાં પ્રતિ કલાકે ૨૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાથી મરણાંક પણ હવે 2 હજાર નજીક છે. છેલ્લા 24 કલાકમાં 19 સાથે કુલ 1945 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં પોરબંદર અને ડાંગના અપવાદને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં અમદાવાદને સ્થાને સુરત નવું ‘હોટસ્પોટ’ બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં વધુ 254 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 5968 થઇ ગયો છે.
માત્ર જુલાઇમાં સુરતમાં 1139 કેસ નોંધાયેલા છે. બીજી તરફ સતત બીજા દિવસે સુરત કરતા અમદાવાદમાં કોરોનાના ઓછા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 177 નવા કેસ સામે આવ્યા છે. જુલાઇ મહિનામાં અમદાવાદમાં 979 કેસ નોંધાયેલા છે.
અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 21892 થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 64 સાથે વડોદરા, 42 સાથે રાજકોટ, 18 સાથે વલસાડ, 16 સાથે ભાવનગર, 15 સાથે ભરૃચ, 13 સાથે જુનાગઢનો સમાવેશ થાય છે.
ગુજરાતના 23 જિલ્લાઓમાં હવે કોરોનાના 100 થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે અને તેમાં હવે બોટાદનો પણ સમાવેશ થઇ ગયો છે. કુલ સૌથી વધુ કેસની રીતે અમદાવાદ-સુરત બાદ વડોદરા 2586 સાથે ત્રીજા, ગાંધીનગર 719 સાથે ચોથા અને રાજકોટ 409 સાથે પાંચમાં સ્થાને છે.
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 8278 છે. જેમાં સૌથી વધુ 3579 અમદાવાદમાં, 1865 સુરતમાં, 669 વડોદરામાં, 239 રાજકોટમાં અને ૧૬૯ ભાવનગરમાં છે. માત્ર ડાંગ એવોજિલ્લો છે જ્યાં એકપણ એક્ટિવ કેસ નથી. 8278 એક્ટિવ કેસમાંથી 72 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 9, સુરતમાંથી 6 જામનગર-ખેડા-ગાંધીનગરમાંથી 1-1 એમ કુલ 18ના મૃત્યુ થયા છે. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1484, સુરતમાં 182, વડોદરામાં 49, ગાંધીનગરમાં 30, અરવલ્લીમાં 20 અને પાટણમાં 16 છે.નર્મદા-ડાંગ અને તાપી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાથી હજુ સુધી એકપણ મૃત્યુ નોંધાયું નથી.
છેલ્લા 24 કલાકમાં ૪૮૬ સહિત કુલ હવે 25900 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથીવધુ 16829, સુરતમાંથી 3921, વડોદરામાંથી 1850, ગાંધીનગરમાંથી 533, રાજકોટમાંથી 157 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 7770 સાથે કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા હવે 412124 થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ 2.68 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.