વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષાઢી પૂનમના પર્વ પર શનિવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો સંદેશમાં ભગવાન બુદ્ધની આઠ શિક્ષાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને પોતાના શાંતિ સંદેશમાં ભગવાન બુદ્ધની વાતોનો ઉલ્લેખ કરતા તેમના દ્વારા બતાવવામાં આવેલા આઠ શિક્ષાનું પાલન કરવા પર ભાર આપ્યો હતો.
પીએમે જણાવ્યું કે દુનિયા સામે રહેલા વર્તમાન પડકારોનો ઉકેલ પણ ભગવાન બુદ્ધના આદર્શોમાં રહેલો છે. ભગવાન બુદ્ધના શાંતિના સંદેશનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું કે આજે બુદ્ધના પથ પર ચાલતા રાષ્ટ્રો અને સમાજ સુખી છે.
ધર્મ ચક્ર દિવસ પર વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે આજે અષાઢ પૂર્ણિમાના અવસરે તમામને શુભેચ્છા પાઠવું છું. આને ગુરુપૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે.
આ દિવસ આપણા ગુરુઓને યાદ કરવા માટે છે, જેમણે આપણને જ્ઞાન આપ્યું. આ જ ભાવના સાથે આપણે ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છે. ભગવાન બુદ્ધે બતાવેલા આઠ માર્ગ અનેક સમાજ તેમજ રાષ્ટ્રને કલ્યાણના પથ પર લઈ ગયા.
ભગવાન બુદ્ધનું જ્ઞાન કરુણા તેમજ દયાને ઉજાગર કરે છે. બુદ્ધ આપેલા જ્ઞાન વિચાર અને ક્રિયા બન્નેમાં સરળતા લાવે છે. પીએમ મોદીએ ધર્મ ચક્ર દિવસના ઉપક્રમે જણાવ્યું કે આજે વિશ્વ કપરા સમયન સામનો કરી રહ્યું છે. આ પડકારો માટે સ્થાયી સમાધાન, ભગવાન બુદ્ધના આદર્શોથી મળી શકે છે. ભૂતકાળમાં તેઓ પ્રાસંગિક હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે તેમ વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.