વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ અચાનક લેહ પ્રવાસ દરમિયાન ત્યાં ભારતીય જવાનોને સંબોધતા કહ્યું કે, તમે ભારતની સીમાના રક્ષણ માટે પર ખડેપગે છો તે વાત દરેક ભારતવાસીઓ માટે ગર્વની છે. દેશના જવાનો દેશવાસીઓને દિવસરાત કામ કરવા માટે પ્રેરિત કરે છે. વડાપ્રધાને જવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમે અને તમારા સાથીઓએ જે વીરતા દર્શાવી છે તેનાથી સમગ્ર દુનિયાને એક સંદેશ મળ્યો છે કે ભારતની તાકાત કેટલી છે.
ચીનને ખુલ્લો પડકાર આપતા વડાપ્રધાને કહ્યું કે વિસ્તારવુાદનો યુગ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે, આ યુગ વિકાસવાદનો છે. ઝડપથી બદલાઈ રહેલા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે અને આ તેના માટે તકો પણ રહેલી છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. વડાપ્રધાને ઈતિહાય યાદ અપાવતા કહ્યું કે વિતેલી સદીઓમાં વિસ્તારવાદે જ માનવતાને સૌથી વધારે નુકશાન પહોંચાડ્યું છે તેમજ માનવતાને નષ્ટ કરવા માટેનો પ્રયત્ન પણ કર્યો છે.
ઈતિહાસમાં જ્યારે જ્યારે વિસ્તારવાદ કોઈના મગજ પર હાવી થયો છે ત્યારે ત્યારે તેણે હંમેશા વિશ્વ શાંતિ માટે ખતરો ઉભો કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પોતાના જવાનોને હું ફરી એક વખત શ્રદ્ધાંજલિ અ્પણ કરું છું. તેમના પરાક્રમ અને સિંહનાદથી ધરતી માતા તેમની જયજયકાર કરી રહી છે. દરેક દેશવાસીઓ આપણા દેશના જવાનો સામે મસ્તક ઝુકાવીની નમન કરી રહ્યા છે. જવાનોના આવા પરાક્રમોથી દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી ગઈ છે.
જવાનોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગલવાન ઘાટીમાં દેશના વીર સપૂતોએ જે હિંમત દાખવી છે તે પરાક્રમની પરાકાષ્ઠા છે, તમારા પર દેશને ખૂબ જ ગર્વ છે. તમારી સાથે જ આપણા આઈટીબીપીના જવાનો, બીએસએફના સાથી, આપણા બીઆરઓ અને અન્ય સંગઠનોના જવાનો પણ આવી મુશ્કેલીભરી પરિસ્થિતિમાં પણ અડગ રહીને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.
દેશના જવાનો ઉપરાંત સ્વાસ્થ્ય કર્મચારીઓ, એન્જિયનિયર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ખેડૂતો તેમજ મજૂર વર્ગના કારીગરો એમ તમામ લોકો એકબીજાની સાથે ખભે-ખભો મેળવીને ભારત માતાની સેવામાં પોતાનું સમર્પણ આપી રહ્યા છે.