અમેરિકામાં વર્ષના અંતે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની સામે મેદાનમાં ઉતરનારી ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડને પહેલી વખત ભારત તરફી નિવેદન આપ્યુ છે.બાઈડને કહ્યુ છે કે, જો હું ચૂંટણીમાં જીત મેળવીશ તો ભારત સાથેના અમેરિકાના સબંધો વધારે મજબૂત થશે.ભારત અમેરિકાનુ સાહજીક અને કુદરતી મિત્ર છે.
મારા તંત્રની પ્રાથમિકતા ભારત સાથેના સબંધો મજબૂત બનાવવાની હશે. એક કાર્યક્રમાં તેમને ભારત અને અમેરિકાના સબંધો અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.બિડને સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, ભારતને સુરક્ષાના ક્ષેત્રમાં અમેરિકાનુ ભાગીદાર બનાવવાની જરુર છે.ભારત માટે પણ આ ભાગીદારી એટલી જ જરુરી છે. બિડને કહ્યુ હતુ કે, આજથી એક દાયકા પહેલા અમારી જ પાર્ટીએ અમેરિકા અને ભારત વચ્ચે પરમાણુ કરાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેનો મને ગર્વ છે.
એ એક મોટો કરાર હતો.ઓબામા પ્રશાસને પણ ભારત સાથેની ભાગીદારી વધારે મજબૂત કરવાના અભિયાનને પ્રાથમિકતા આપી હતી.જો હું રાષ્ટ્રપતિ બન્યો તો મારી પણ આ જ પ્રાથમિકતા રહેશે. અમેરિકામાં કોરોના અંગે બિડને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહયુ હતુ કે, ટ્રમ્પને આ મુદ્દે શરુઆતથી જ અમે ચેતવણી આપી હતી પણ ટ્રમ્પે તેની અવગણના કરી હતી.ટ્રમ્પ દેશની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.