અમેરિકા અને ચીનની વચ્ચે વધતી તંગદિલી હવે ખતરનાક રૂપ ધારણ કરતી દેખાય રહી છે. ગુરૂવાર, 25 જૂનના રોજ અમેરિકાના સેક્રેટરી ફોર સ્ટેટ માઇક પોમ્પિયોએ જાહેરાત કરી કે અમેરિકા એશિયામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારવાની તૈયારી કરી રહ્યું છે.
તેમણે ચીનના આક્રમક વલણની આલોચના કરતાં કહ્યું કે અમે ભારત અને અમારા મિત્ર દેશોના ચીનથી ખતરાને જોતા પોતાના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરી રહ્યું છે. તેમણે ચીનને સીધી રીતે ચેતવણી આપતા કહ્યું કે જરૂર પડી તો અમેરિકન સેના ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી સામો મુકાબલો કરવા તૈયાર છે.
અમેરિકાએ પહેલાં જ તાઇવાનની નજીક પોતાના ત્રણ ન્યુક્લિઅર એરક્રાફ્ટ કેરિયરને તૈનાત કરી દીધા છે. જેમાંથી બે તાઇવાન અને બાકી મિત્ર દેશોની સાથે યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. તો ત્રીજો એરક્રાફ્ટ કેરિયર જાપાનની નજીક છે. અમેરિકાએ જે ત્રણ એરક્રાફ્ટ કેરિયરને પ્રશાંત મહાસાગરમાં તૈનાત કર્યા છે તે યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ, યુએસએસ નિમિત્જ અને યુએસએસ રોનાલ્ડ રીગન છે.
અમેરિકાની પાસે દુનિયાની સૌથી આધુનિક સેના અને હથિયાર છે. દુનિયાભરના દેશોની સૈન્ય તાકાતની આકરણી કરનાર ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સના મતે 137 દેશોની યાદીમાં આર્મી, નેવી અને એરફોર્સના કેસમાં અમેરિકા દુનિયાના બાકી દેશોથી ખૂબ આગળ છે. અમેરિકન રક્ષા મંત્રાલયના મતે અમેરિકાના દુનિયામાં 800 સૈન્ય ઠેકાણા છે. તેમાં 100થી વધુ ખાડી દેશોમાં છે. જ્યાં 60 થી 70 હજાર જવાન તૈનાત છે.
એશિયામાં ચીનની વિસ્તારવાદી નીતિઓથી ભારતને સૌથી વધુ ખતરો છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ લદ્દાખમાં ચીની સેનાના જમાવડાથી મળી રહ્યું છે. આ સિવાય ચીન અને જાપાનમાં પણ પૂર્વ ચીન સાગરમાં આવેલ દ્વીપોને લઇ તણાવ ચરમ પર છે. તાજેતરમાં જ જાપાને એક ચીની સબમરીનને પોતાના જળક્ષેત્રમાંથી ખદેડ્યું હતું.
ચીન કેટલીય વખત તાઇવાન પર પણ ખુલ્લેઆમ સેનાના પ્રયોગની ધમકી આપી ચૂકયું છે. હાલના દિવસોમાં ચીની ફાઇટર જેટ્સે પણ કેટલીય વખત તાઇવાનના હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. તો ચીનનો ફિલિપાઇન્સ, મલેશિયા અને ઇન્ડોનેશિયા સાથે પણ વિવાદ છે. એશિયામાં બે લાખથી વધુ અમેરિકન જવાનો ગોઠવાયા છે.