કોરોના કેસોના વિસ્ફોટના પગલે લેસ્ટરમાં લોકલ લોકડાઉન લાદવું પડ્યું છે અને સરકારે નિયમના કડક પાલન માટે ભંગ કરનારાઓની ધરપકડની પણ ચેતવણી આપી છે. હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે સામુદાયિક ચેપની સ્થિતિમાં દેશભરમાં નિયંત્રણોની ચેતવણી આપી હતી. મેટ હેન્કોકે લોકડાઉન હેઠળના વિસ્તારની બિનજરૂરી દુકાનો બંધ કરવા ઉપરાંત શાળાઓ પણ ગુરૂવારથી બંધ કરવાની જાહેરાત કરી હતી.
હેન્કોકે પોલીસ પગલાંની જાહેરાત સાથે સખ્તાઇથી અમલનો નિર્ધાર બતાવતાં લેસ્ટર સિટી સેન્ટરની શેરીઓ સવારથી જ સૂમસામ થઇ ગઇ હતી. મિનિસ્ટરે વેપાર – ધંધાઓને વધારાનું કોઇ વળતર નહીં ચૂકવાય તેવું પણ સ્પષ્ટ કરવા સાથે શહેરમાં કાર કે ટ્રેનો ઉપર કોઇ પ્રતિબંધ નહીં હોવાનું જાહેર કરતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. લોકડાઉન વહેલું ના લદાયું તથા સ્થાનિક સત્તાવાળાઓને કેસોમાં વધારા મામલે પ્રધાનો દ્વારા અંધારામાં રખાયા હોવાના કારણે પણ ગુસ્સો વ્યક્ત કરાયો હતો.
હેન્કોકે લોકોને લેસ્ટરમાં કે બહાર જરૂર વિના ફરવા સામે ચેતવણી આપી હતી. જોકે નિષ્ણાતોએ લેસ્ટરમાં કોરોનાના પુનઃ ઉપદ્રવ માટે લોકડાઉન કસમયે ઉઠાવવાનું જવાબદાર ગણાવ્યું હતું. નિષ્ણાતોએ બીજા શહેરોમાં પણ આવા નિયંત્રણો લાદવા પડે તેવી શક્યતા દર્શાવી હતી.
લેસ્ટરમાં ૮૦૦ થી વધારે કેસોના પગલે પુનઃ લદાયેલા લોકડાઉન હેઠળ તમામ બિનઅવશ્યક દુકાનો બંધ કરવામાં આવી હતી. શાળાઓ બંધ કરાઇ હતી અને બીજા સત્ર પૂર્વે ફરીથી ખુલશે નહીં. લોકોને જરૂર વિના લેસ્ટરમાં કે લેસ્ટરની બહાર મુસાફરી નહીં કરવા સલાહ અપાઇ હતી.
ઇંગ્લેન્ડમાં શનિવારથી હળવું થનારું લોકડાઉન લેસ્ટરને લાગુ નહીં પડવાથી લેસ્ટરમાં પબ, રેસ્ટોરન્ટ, સલૂન અને સિનેમાઘરો બંધ રહેશે. લેસ્ટરવાસીઓને ‘સ્ટે એટ હોમની’ સલાહ અપાઇ છે. દરમિયાનમાં લેસ્ટરના મેયર પીટર સોલ્સબીએ જણાવ્યું હતું કે, શહેરમાં લોકડાઉન વહેલું લદાવું જોઇતું હતું.