ભારત સરકારે મોબાઈલમાં અને મોબાઈલ સિવાયના જિડિટલ પ્લેટફોર્મ પર વપરાતી 59 ચાઇનિઝ એપ્લિકેશન (એપ) પર એક ઝાટકે પ્રતિબંધ મુકી દીધો છે. ચીન પર આ એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક છે.પ્રતિબંધિત એપમાં ભારતમાં વ્યાપકણે વપરાતી ટિકટોક, વિચેટ, ઝેન્ડર, હેલો, યુસી બ્રાઉઝર વગેરેનો પણ સમાવેશ થાય છે. એમાં પણ ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
સરકારી યાદીમાં જણાવાયું હતું કે વિવિધ ચાઈનિઝ એપ્લિકેશન વિશે વિવિધ ફરિયાદો મળતી હતી. એટલું જ નહીં કેટલીક એપ્લિકેશન દ્વારા યુઝર્સની માહિતી ચોરી થતી હોવાના પણ રિપોર્ટ વારંવાર પ્રગટ થયા હતા. સરકારે કહ્યું હતુ કે અમુક એેપ્સ તો દેશની એકતા અને અખંડિતતા માટે પણ નુકસાનકારક હતી. આવી એપ્સ દ્વારા અનેક પ્રકારની માહિતી એકઠી કરીને દેશની બહાર આવેલા સર્વરોમાં મોકલવામાં પણ આવતી હતી.
સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય. જોકે પ્રતિબંધ ક્યારથી લાગુ થશે તેની સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી.
સરકારે જણાવ્યું હતુ કે આ રીતે ભારતમાંથી માહિતી ભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે. સરકારે આ નિર્ણયની જાણકારી ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપી છે. જ્યાંથી આ એપ પ્રતિબંિધત (બેન) કરવાની કાર્યવાહી થશે.
જોકે એપ તુરંત બંધ થશે કે થોડા દિવસો પછી તેની કોઈ જાણકારી સરકારે આપી ન હતી. ચાઈનિઝ એપ્સ દ્વારા ભારતીય યુઝર્સના ડેટાનો દુરૂપયોગ થતો હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હતી. એ સંદર્ભે હવે સરકારે આ નિર્ણય લીધો હતો. ભારતમાં ચાઈનિઝ એપની લોકપ્રિયતા સતત વધી રહ હતી ત્યારે સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
ભારત અત્યારે દુનિયાના સૌથી મોટા એપ માર્કેટ તરીકે વિકસી રહ્યું છે. 2017માં પ્લે સ્ટોરની પ્રથમ 100 એપમાં 18 ચાઈનિઝ એપ હતી, 2018માં અઢી ગણી વધીને 44 થઈ ગઈ હતી.
હવે એ સંખ્યા તેનાથી પણ વધી ગઈ છે. લોકો પોતાના ફોનમાં અનેક એપ ડાઉનલોડ કરતાં હોય છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ ચાઇનિઝ છે.30મી જૂન વર્લ્ડ સોશિયલ મીડિયા ડે તરીકે ઉજવાય છે. તેની પૂર્વ સંધ્યાએ જ ભારત સરકારે આ નિર્ણય લીધો હતો. પરિણામે સોશિયલ મીડિયા પર ટાઈમપાસ કરતાં મોટા વર્ગને આ એપ્સ વગર રહેવું પડશે. સાથે સાથે એપ્સ પાછળ બિનજરૂરી સમય બગાડનારા લોકો પોતાના સમયનો સદ્ઉપયોગ કરી શકશે.
ભારત સરકારના આ નિર્ણયનો લાભ એપ્લિકેશન સેક્ટરમાં કામ કરતી હજારો ભારતીય કંપનીઓને થશે.
કેમ કે અત્યાર સુધી સસ્તી અને ફોનમાં પહેલેથી જ ઈન્સ્ટોલ થઈને આવતી ચાઈનિઝ એપના કારણે ભારતમાં બનતી એપ વપરાતી ન હતી. પરંતુ હવે એવી એપની ડિમાન્ડ વધશે. એપ્લિકેશન સેક્ટરમાં કામ કરતાં હર્નિલ ઓઝાએ કહ્યું હતું કે એકલા ટીકટોકની જ માર્કેટ વેલ્યુ અબજો ડૉલર છે. ભારતમાં તેના કરોડો વપરાશકારો છે. હવે સરકારના નિર્ણયના કારણે કંપનીના વેલ્યુએશનમાં ઘટાડો થશે અને તેનાથી ચીનને ઓછામાં ઓછો પાંચથી સાત હજોર કરોડનો ફટકો પડશે.
ભારતના સંરક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2017માં આર્મડ ફોર્સિસમાં એ વખતે ઘાતક ગણાતી 44 એપ્સ વાપરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. એ 42 એપ્સમાં કેટલીક એવી એપ્સ હતી જે અત્યારના લિસ્ટમાં પણ છે. ડિફેન્સ મિનિસ્ટરીના પ્રતિબંધ પછી એરફોર્સ, નેવી અને આર્મી ત્રણેય આર્મડ ફોર્સિસમાં જ્યાં ક્યાંય વપરાતી હોય ત્યાં એ તમામ એપ્સ બંધ કરી દેવાઈ હતી.